નવી શિક્ષણ નીતિ, માતૃભાષાના સંદર્ભમાં મહાત્મા ગાંધીજીની નવી તાલિમનું અનુકરણ કરે છેઃ ઉપરાષ્ટ્રપતિ
દિલ્હીઃ દેશની નવી શિક્ષણ નીતિ મહાત્મા ગાંધીની “નવી તાલિમ” ને અનુસરે છે. નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક કે માધ્યમિક વર્ગોમાં શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓમાં સાહસિકતા વધારવા માટે કૌશલ્ય પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું.
1937 માં, મહાત્મા ગાંધી દ્વારા વર્ધામાં જ પ્રસ્તાવિત “નવી તાલિમ” માં મફત ફરજિયાત શિક્ષણ ઉપરાંત માતૃભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવા અને વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ આપવાનો સમાવેશ થતો હતો. ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુ આજે વર્ધામાં મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયની રજત જયંતિ સમારોહને ઓનલાઈન સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે ગાંધીજીના “નવી તાલીમ” પર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ સંશોધન અને અભ્યાસ, તેમના અનુભવો, શિક્ષણ નીતિ ઘડનારાઓ માટે ઉપયોગી થઈ શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણી બંધારણ સભાએ લાંબી ચર્ચા પછી હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી અને આઠમી અનુસૂચિમાં અન્ય ભારતીય ભાષાઓને પણ બંધારણીય દરજ્જો આપ્યો. દરેક ભારતીય ભાષાનો ભવ્ય ઈતિહાસ છે, સમૃદ્ધ સાહિત્ય છે, “આપણા દેશમાં ભાષાકીય વિવિધતા છે તે માટે આપણે ભાગ્યશાળી છીએ. આપણી ભાષાકીય વિવિધતા આપણી તાકાત છે કારણ કે આપણી ભાષાઓ આપણી સાંસ્કૃતિક એકતાને વ્યક્ત કરે છે.” આ સંદર્ભમાં, ઉપરાષ્ટ્રપતિએ યુવા વિદ્યાર્થીઓને સંપ્રદાય, જન્મ, પ્રદેશ, લિંગ, ભાષા વગેરેના ભેદભાવોથી ઉપર ઊઠીને દેશની એકતાને મજબૂત કરવા અનુરોધ કર્યો હતો.
ભાષા અંગે મહાત્મા ગાંધીના વિચારોનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે મહાત્મા ગાંધી માટે ભાષાનો પ્રશ્ન દેશની એકતાનો પ્રશ્ન હતો. રાષ્ટ્રભાષા વિના રાષ્ટ્ર મૂંગું છે. આ ક્રમમાં, તેમણે હિન્દીને સરળ અને સામાન્ય લોકો માટે સુલભ બનાવવા વિનંતી કરી, જેથી હિન્દીનો વ્યાપ પુષ્કળ પ્રમાણમાં વધી શકે.
હિન્દીનો આગ્રહ રાખ્યા બાદ પણ મહાત્મા ગાંધીએ દરેક નાગરિકની માતૃભાષા પ્રત્યેની સંવેદનશીલતાને સમજ્યા હતા. તેમણે માતૃભાષાને સ્વરાજ સાથે જોડી હતી. મહાત્મા ગાંધી માનતા હતા કે સ્વરાજનો અર્થ એ નથી કે કોઈપણ ભાષા કોઈના પર લાદવામાં આવે. સૌથી પહેલા માતૃભાષાને મહત્વ આપવું જોઈએ. વાસ્તવિક અભિવ્યક્તિ માતૃભાષામાં જ થઈ શકે છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સંસ્કારી સમાજ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેની ભાષા સૌમ્ય, સંસ્કારી અને સર્જનાત્મક હોવી જોઈએ. તેમણે એવી અપેક્ષા રાખી હતી કે વિશ્વવિદ્યાલયો એ સંસ્કૃતિ કેળવે કે સાહિત્ય લખીને સમાજમાં સંસ્કારી સંવાદને સમૃદ્ધ બનાવવો જોઈએ, અને વિવાદ ન સર્જવો જોઈએ. “ચાલો આપણે આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ ભાષાની મર્યાદા અને સમાજની શિસ્તમાં કરીએ.”
ઉપરાષ્ટ્રપતિએ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે જણાવ્યું હતું કે “ડૉ. આંબેડકર જીવન માટે શિક્ષણ અને સમાનતા માટે પ્રતિબદ્ધ રહ્યા હતા. શિક્ષણે તેમને તેમના જીવન સંઘર્ષમાં માર્ગદર્શન આપ્યું હતું.” ડો.આંબેડકરની પ્રતિમા યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્તંભ બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે વિદેશમાં ફેલાયેલા ભારતીય સમુદાયને અને વિશ્વના અન્ય હિન્દીભાષી દેશોને માતૃભૂમિ ભારત સાથે જોડવામાં આપણી ભારતીય ભાષાઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ સંદર્ભમાં, ઉપરાષ્ટ્રપતિએ યુનિવર્સિટીઓને તેમના બૌદ્ધિક પ્રવચનમાં હિન્દી ભાષી દેશો અને વિદેશી ભારતીય સમુદાયના લેખકોની સાહિત્યિક કૃતિઓનો સમાવેશ કરવા વિનંતી કરી.