નવી દિલ્હીઃ ભારતમાં નાણાકીય વર્ષ 2017-18 થી 2023-24 સુધીના છેલ્લા 6 નાણાકીય વર્ષમાં 16.83 કરોડ નવી નોકરીઓનું સર્જન થયું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે માર્ચ 2024માં દેશમાં 64.22 કરોડ લોકોને રોજગારી આપવામાં આવી હતી. જ્યારે 2017-18માં આ સંખ્યા 47.5 કરોડ હતી. આમ છેલ્લા 6 વર્ષમાં દેશમાં રોજગારમાં 35 ટકાનો વધારો થયો છે. આ માહિતી ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરાયેલ KLEMS (K: કેપિટલ, L: લેબર, E: એનર્જી, M: મટીરીયલ અને S: સર્વિસીસ)ના આધારે આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે 2017-18 થી 2022-23 સુધીમાં ઉત્પાદન ક્ષેત્રે (ઔપચારિક અને અનૌપચારિક) 85 લાખ લોકોને રોજગારી મળી છે. આ પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, MSME મંત્રાલયમાં નોંધાયેલા માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME)માં રોજગારનો આંકડો 20 કરોડને પાર થઈ ગયો છે.
MSME મંત્રાલયના ‘ઉદ્યમ’ પોર્ટલ પર 4 જુલાઈ સુધીના ડેટા અનુસાર, 4.68 કરોડ નોંધાયેલા MSMEમાં 20.20 કરોડ લોકોને રોજગાર મળી રહ્યો છે. તેમાંથી 2.3 કરોડ નોકરીઓ GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માંથી મુક્તિ અપાયેલા અનૌપચારિક સૂક્ષ્મ એકમોમાં મળી રહી છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ MSMEમાં નોકરીઓમાં 66 ટકાનો વધારો થયો છે.
બાળ મજૂરી પરના અન્ય એક પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર આ સમસ્યાને દૂર કરવા માટે ચો તરફી વ્યૂહરચના અપનાવી રહી છે જેમાં કાયદાકીય કાર્યવાહી, પુનર્વસન વ્યૂહરચના, મફત શિક્ષણનો અધિકાર પ્રદાન કરવા અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવા અને આર્થિક વિકાસ સહિત વ્યાપક પગલાં લીધાં છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળ મજૂરી નાબૂદી માટે સંબંધિત રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવનાર પગલાંની યાદી સાથે કેન્દ્ર દ્વારા એક મોડેલ સ્ટેટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
(PHOTO-FILE)