અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટ્રાફિકમાં વધારો થતો જાય છે. હવે પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને નોર્થ ગોવાની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. અમદાવાદથી ગોવાની ફલાઇટ બુક કરાવનાર ટૂરિસ્ટોને હવે નોર્થ ગોવાનો પણ વિકલ્પ મળી રહેશે. ગ્રીન ફિલ્ડ નોર્થ ગોવામાં મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યાન્વિત કરતા ઇન્ડિગોએ અમદાવાદથી આ સેક્ટરની ફલાઇટ આગામી 6 જાન્યુઆરીથી શરૂ થશે જેના કારણે ગોવા ફરવા જનાર ટૂરિસ્ટોને રાહત મળશે. એરલાઇન કંપનીએ સિસ્ટમ પર બુકિંગ શરૂ કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગોવા ફરવા માટે ગુજરાતથી અનેક પ્રવાસીઓ જતાં હોય છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી નોર્થ ગોવાનો ટુરિસ્ટ પ્લેસ તરીકે સારોએવો વિકાસ થયો છે. ગુજરાતી પ્રવાસીઓને નોર્થ ગોવા જવામાં સાનુકૂળતા રહે તે માટે સીધી ફલાઈટ્સ 6ઠ્ઠી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી રહી છે. ઇન્ડિગોની નોર્થ ગોવાની ફલાઇટ સવારે 5.35 કલાકે ટેકઓફ થઇ 7.15 પહોંચશે તેવી જ રીતે રિટર્નમાં 8.55 કલાકે રવાના થઇ 10.35 કલાકે અમદાવાદ પહોંચશે આ ફલાઇટ સોમથી શનિવાર ઓપરેટ કરાશે, જેનો વન-વે ફેર પાંચથી સાત હજારની વચ્ચે રહેશે. નોર્થ ગોવા શરૂ થતા ખાસ કરીને ટૂરિસ્ટો કશીનો, ફેમસ બીચ તેમજ ચર્ચ જેવા જાણીતા ટૂરિસ્ટ પ્લેસ નોર્થમાં હોવાથી સહેલગાહ કરનાર મુસાફરોને ઘણી રાહત મળશે કેમ કે હાલમાં ગોવાનું જે એરપોર્ટ છે જે નોર્થ અને સાઉથ વાસ્કો ગામા છે, અહીંથી ટૂરિસ્ટોને નોર્થમાં જવા માટે 35 કિ.મી એટેલે એક કલાક જેટલો સમય લાગતો હતો. હવે નોર્થમાં સીધી ફ્લાઈટ શરૂ થવાથી ફરવા જનાર ટૂરિસ્ટોનો સમય પણ બચી જશે.