Site icon Revoi.in

GSTની નવી ગાઈડ લાઈન, ટેક્સ ચોરીની શંકાને આધારે હવે વેપારીઓની ધરપકડ કરી શકાશે નહીં

Social Share

અમદાવાદઃ જીએસટીની આંટીઘૂંટીને લીધે વેપારીઓને ટેક્સ ભરવામાં કોઈ ક્ષતિ રહી જતી હોય છે. ત્યારે જીએસટીના અધિકારીઓ વેપારીઓને ટેક્સચાર સમજીને વેપારીની અટકાયત કે ધરપકડ કરી લેતા હોય છે. જેના લીધે સમાજમાં વેપારીઓની પ્રતિષ્ઠાને હાની પણ પહોંચતી હતી. જીએસટીની ચોરી મામલે વેપારીને તેના ઘરમાં જ ગોંધી રાખવાના કેસમાં હાઇકોર્ટની ફટકાર બાદ જીએસટી વિભાગને ગાઇડલાઇન બહાર પાડવાની ફરજ પડી છે. વિભાગે આ ગાઈડલાઈનનું કોર્ટ સમક્ષ સોગંદનામામાં રજૂ કર્યુ હતુ. જેમા સમન્સ અને ધરપકડ માટેના કેટલાક સ્પષ્ટ નિયમો રજૂ કર્યા છે. ગાઈડલાઈન મુજબ કોઇપણ શંકાસ્પદ વેપારીની ટેક્સ ચોરી માટે અચાનક ધરપકડ કરી શકાશે નહીં તથા માત્ર શંકાને આધારે કોઇ વેપારીને બોલાવી પણ શકાશે નહી.

સૂત્રોના જણાવ્યા મુજબ જીએસટી વિભાગે એક વેપારી પર  ટેક્સચોરીની શંકા રાખીને અધિકારીઓએ  વેપારીને 4 દિવસ સુધી ગોંધી રાખ્યો હતો. 5 દિવસ સુધી ઘરે ન આવતા વેપારીના ભાઈએ હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરી હતી. તેમાં એવી દલીલ કરાઈ હતી કે, જીએસટી વિભાગે સમન્સ કે ધરપકડ મામલે કોઇ ગાઇડલાઇન જ બહાર પાડી નથી. જયારે કોઇ બંધારણ જ નક્કી ન હોય તો શેના આધારે વેપારીને ગોંધી રાખ્યા હતા? જવાબદાર અધિકારીઓનું વર્તન ગેરકાયદે છે. આ કેસમાં હાઇકોર્ટે જીએસટીને ગાઇડલાઇન બહાર પાડવા આદેશ કર્યો હતો. દરમિયાન જીએસટી વિભાગે જારી કરેલી ગાઇડલાઇનમાં એવી રજૂઆત કરાઈ છે કે, જીએસટીના અધિકારીઓ ડાયરેક્ટ સમન્સ પાઠવી શકશે નહીં. 3 વખત સમન્સ આપ્યા બાદ વ્યકિત ન આવે તો મેજિસ્ટ્રેટ સમક્ષ જીએસટીના અધિકારી ફરિયાદ કરી શકશે. માત્ર શંકાને આધારે કોઈ વ્યક્તિને બોલાવી શકાશે નહીં. તપાસ દરમિયાન જે-તે વ્યકિત સામે ટેક્સ ચોરીના કોઈ નક્કર પુરાવા મળે તો જ ધરપકડ કરી શકાશે. જયારે પણ ધરપકડ કરવાની હોય તેના કુંટુંબીઓને જાણ કર્યા બાદ ધરપકડ કરવાની રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જીએસટી વિભાગ વેપારી કે કરદાતાની આકસ્મિક ધરપકડ કરી શકશે નહીં. જીએસટીની કલમ 132 અને 69 હેઠળ સંબંધિત અધિકારીને સંતોષ થાય તો જ ધરપકડ કરી શકાશે  જોઇન્ટ કમિશનરથી ઊંચી રેન્ક ધરાવતા અધિકારી જ સમન્સ ઈશ્યૂ કરી શકશે. સમન્સ ઈશ્યૂ કર્યા પછી પણ કરદાતાને હાજર થવા માટે સમય આપવો પડશે  શંકાને આધારે કોઈપણ વ્યક્તિને બોલાવી શકાશે નહીં તેમજ શંકાસ્પદ ભૂમિક અંગે યોગ્ય તથ્યો મળે તો જ કાર્યવાહી કરી શકાશે  શકમંદ કરદાતાએ તપાસમાં સહકાર આપ્યો છે કે નહીં તેની ડાયરીમાં નોંધ કરવી પડશે.  જે દસ્તાવેજ ઓનલાઈન મળી શકતા હોય તેના માટે કરદાતાને સમન્સ પાઠવી શકાશે નહીં.