યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નવા સૂચનો -સ્થિતિ ગંભીર હોવાથી જાણ કર્યા વિના બોર્ડર ચેક પોસ્ટ પર ન જવા જણાવાયું
- યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નવી એડવાઈઝરી
- બોર્ડ ચેક પોસ્ટ પર જાણ કર્યા વિના ન જવાનું કહેવાયું
- બોર્ડર ચેક પોસ્ટ પર સ્થિતિ ગંભીર
દિલ્હીઃ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને કારણે ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે નવી ગાઈડલાઈન જારી કરી છે જેથી કરીને ભારતીય લોકો વધુ મુશ્કેલીમાં ન મૂકાય
આ એડવાયઝરીમાં દૂતાવાસે નાગરિકોને તેના અધિકારીઓ સાથે સંપર્ક કર્યા વિના સરહદ ચોકીઓ પર ન જવા જણાવ્યું છે. કહેવામાં આવ્યું છે કે સરહદી ચેકપોસ્ટ પર સ્થિતિ સંવેદનશીલ છે. અમે ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે પડોશી દેશોમાં અમારા દૂતાવાસો સાથે કામ કરી રહ્યા છીએ.
ભારતીય દૂતાવાસે કહ્યું, “અમને જાણ કર્યા વિના સરહદી ચેકપોસ્ટ પર પહોંચી ગયેલા ભારતીયોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. ભારતીય નાગરિકોએ બિનજરૂરી ગતિવિધિઓ ટાળવી જોઈએ, સાવચેતી રાખવી જોઈએ, તાજેતરની ઘટનાઓ વિશે સતર્ક રહેવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા એર ઈન્ડિયાના વિમાને શનિવારે સવારે મુંબઈ એરપોર્ટથી રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ માટે ઉડાન ભરી હતી. અંદાજે યુક્રેનમાં હાલમાં લગભગ 20,000 ભારતીયો ફસાયેલા છે, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.યુક્રેનિયન એરસ્પેસ બંધ કરતા પહેલા, એર ઈન્ડિયાએ 22 ફેબ્રુઆરીએ યુક્રેનની રાજધાની કિવ માટે એક વિમાન મોકલ્યું હતું જેમાં 240 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા હતા ત્યારથી હવે એર ઈન્ડિયા આ મિશનમાં જોતરાય છે.કેન્દ્રના અથાગ પ્રયત્નો હેઠળ ભારતીયોને પરત લાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.