Site icon Revoi.in

વિદ્યાર્થીઓની સ્કૂલબેગનો ભાર ઘટશે, શિક્ષણ વિભાગની નવી ગાઈડલાઈન

Social Share

દિલ્હીઃ સ્કૂલના વિદ્યાર્થીઓની બેગને લઈને અવાર-નવાર સવાલો ઉભા થાય છે જેની ઉપર પૂર્ણવિરામ મુકવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. વિદ્યાર્થીઓની બેગનું વજન વિદ્યાર્થીઓના વજનના 10 ટકાથી વધારે નહીં હોય. તેમજ ધો-1 અને ધો-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની બેગનું વજન લગભગ 1.6થી 2.2 કિલોગ્રામ જેટલું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે પ્રી-પ્રાઈમરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ બેગ નહીં હોય.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ગાઈડ લાઈન બહાર પાડી છે. આ પોલીસી અંતર્ગત સ્કૂલ બેગ પોલીસીમાં સ્કૂલ અને વાલીઓની મહત્વની જવાબદારી નક્કી કરવામાં આવી છે. શાળાઓમાં નિયમીત ધોરણે બેગના વજનની દેખરેખ પણ સ્કૂલોએ રાખવાની રહેશે. જેમાં વજનનું ખાસ મહત્વ રહેશે. બન્ને ખભ્ભા પર વિદ્યાર્થીને સરળતાથી દફતર રહી શકે તેવી વ્યવસ્થા વાલીઓએ કરવાની રહેશે.

એનસીઈઆરટી દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સર્વેક્ષણ અને અભ્યાસના આધારે 2992 વાલીઓની ભલામણો આવી હતી અને તેના વિશ્લેષણ બાદ નવી બેગ પોલીસી જાહેર કરવામાં આવી છે. સ્કૂલ બેગ 2020 પોલીસી અંતર્ગત કેન્દ્રીય મંત્રાલય દ્વારા 11 ભલામણો કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને શાળામાં જ મધ્યાહન ભોજન આપવું પડશે જેથી છાત્રોએ લંચ લઈને આવવું ન પડે અને આ ઉપરાંત વોટર બોટલના બદલે છાત્રો માટે શાળામાં જ સ્વચ્છ પાણીની પણ વ્યવસ્થા કરવી પડશે.

આ ઉપરાંત બાળકોને સ્કૂલો દ્વારા જ પાઠ્ય પુસ્તકનો ડબલ સેટ પુરો પાડવામાં આવશે. આ ઉપરાંત ધો-1 અને 2ના વિદ્યાર્થીઓને ઘરે હોમવર્ક આપવાનું નહીં રહે અને ધો.3 થી 10ના વિદ્યાર્થીઓને હોમવર્કની અવધી વધારે ન હોવી જોઈએ.