Site icon Revoi.in

શાળાઓના પ્રવાસ માટે હવે નવી માર્ગદર્શિકા, કડક નિયમોની જોગવાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવાસ માટેના નિયમો સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી માટે ખાસ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ તો ડીઈઓ કે ડીપીઈની મંજુરી બાદ જ પ્રવાસ યોજી શકાશે. જોકે સરકાર દ્વારા સ્કુલ પ્રવાસની ગાઈડલાઈન બે-ત્રણ દિવસમાં જાહેર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શાળાના વિદ્યાર્થીઓની પિકનિક માટે નવી ગાઈડલાઈન જાહેર કરાશે. વડોદરા હરણી બોટકાંડમાં અનેક માસૂમ બાળકોનાં મોત બાદ શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના પ્રવાસ પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસ લઇ જવા માટેની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી હતી. જેના કારણે અત્યાર સુધી એકપણ સ્કૂલને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવામાં આવી નહોતી. શિક્ષણ વિભાગે નવી ગાઈડલાઈન સરકારને સોંપી છે. જેમાં જરૂરી સુધારો-વધારો કરીને સરકાર આગામી ત્રણ દિવસમાં નવી ગાઇડલાઇન જાહેર કરશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યની સ્કૂલોમાં 2024-25નું શૈક્ષણિક સત્ર જૂન મહિનાથી શરૂ થયું છે. મોટાભાગની સ્કૂલોમાં દિવાળી બાદ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવામાં આવે છે, પરંતુ વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ પર રોક લગાવી છે. પ્રવાસ લઈ જવા માટે બનાવેલા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. આ અંગે શિક્ષણ વિભાગના એક અધિકારીના કહેવા મુજબ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટેની નવી ગાઈડલાઈન બનાવવામાં આવી છે. નવી ગાઈડલાઈન બનાવીને સરકારને આપવામાં આવી છે. સરકાર દ્વારા ગાઈડલાઈનમાં જરૂરી સુધારા-વધારા કરી આગામી બે  દિવસમાં પ્રવાસ માટેની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.