નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન સરહદી સુરક્ષા મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે પહેલા જ્યારે આતંકતવાદી હુમલા થતા ત્યારે માત્ર નિવેદન જાહેર કરવામાં આવતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારત હવે સરહદ પર હસ્તક્ષેપ કરનારાઓ સામે યુએસ અને ઇઝરાયેલની જેમ કાર્યવાહી કરે છે. એટલું જ નહીં કેન્દ્ર સરકાર હવાલા, આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખવા માટે ડેટાબેઝ તૈયાર કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના આકરા પ્રહાર કર્યાં હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી શાહે બેંગ્લોરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે સુરક્ષા પગલાંમાં ઢીલાશ માટે અગાઉની કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, પહેલા જ્યારે પણ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા ત્રાસવાદી હુમલાઓ કરવામાં આવતા હતા, ત્યારે ભારત ફક્ત નિવેદનો જ આપતું હતું, પરંતુ નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પહેલા માત્ર અમેરિકા અને ઈઝરાયેલ તેમની સરહદ અને સેનામાં દખલ કરનારાઓને જવાબ આપતા હતા. હવે ભારત પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે.
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી ઉરી (2016) અને પુલવામા (2019)માં આતંકી હુમલા થયા હતા. ભારતે માત્ર 10 દિવસમાં પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક સાથે જવાબ આપ્યો હતો. કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો કે તેની કોઈ અસર કેવી રીતે થઈ. હું તેમને કહું છું કે તેની ઘણી અસર છે. હવે આખી દુનિયા જાણે છે કે ભારતીય સરહદોમાં કોઈ દખલ કરી શકે નહીં, નહીં તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રીડ (NATGRID)ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર હવાલા વ્યવહારો, આતંકવાદી ધિરાણ અને સંબંધિત પ્રવૃત્તિઓ, નકલી ચલણ, નાર્કોટિક્સ, બોમ્બની ધમકીઓ અને ગેરકાયદેસર હથિયારોની દાણચોરી પર નજર રાખવા માટે એક રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરી રહી છે. આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ પોલિસી’ ધરાવે છે.