Site icon Revoi.in

દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી યુવાઓને વૈશ્વિક સ્તરે રોજગારી ઉપલબ્ધ થશે: ઉપરાષ્ટ્રપતિ

Social Share

ગાંધીનગરઃ ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે શુક્રવરે ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત એકસેલન્સ ઈન હાયર એજયુકેશન કાર્યક્રમનો રાજયપાલ  આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, આજે દેશવાસીઓ વિશ્વના કોઈપણ ખૂણે જાય ત્યારે પોતે ભારતીય હોવાનું ગૌરવ અનુભવે છે. દેશના દીર્ઘદૃષ્ટિવંત પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના કારણે આ શક્ય બન્યું છે. આજે દુનિયાના અનેક દેશો ભારતનું અવલોકન અને અનુકરણ કરી દેશના પ્રધાનમંત્રીની દરેક વાત ગંભીરતાથી પોતાના રાષ્ટ્રવિકાસ માટે અમલમાં મૂકે છે. વડાપ્રધાન હંમેશા ઉજ્જવળ વર્તમાન થકી ઉજ્જવળ ભવિષ્યની કલ્પના સાકાર કરી રહ્યાં છે. આઝાદી પહેલા અને આઝાદી બાદ ગુજરાતના અનેક પનોતા પુત્રોનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન રહ્યું છે અને વર્તમાનમાં પણ ગુજરાતના પનોતા પુત્રો દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. ઇનવેસ્ટમેંટ અને ઓપોર્ચ્યુનીટી માટે આજે ગુજરાત વિશ્વભરમાં પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે.

તેમણે ઈતિહાસને વાગોળતા જણાવ્યું હતું કે, પોતે 33 વર્ષ પહેલા જ્યારે સંસદસભ્ય તરીકે કાર્યરત હતા ત્યારે સંસદસભ્યને પોતાના પંસદગીના વ્યક્તિઓને 50 જેટલા ગેસ કનેક્શન ફાળવવાની સત્તા હતી, પરંતુ છેવાડાના માનવી માટે હરહંમેશ ચિંતનશીલ પ્રધાનમંત્રી  મોદીએ આજે કરોડો ઘરેલૂ ગેસ કનેક્શન મફત પૂરા પાડ્યાં છે. પહેલા જિલ્લાની જરૂરિયાતને ધ્યાને રાખી વિજળી પૂરી પાડવામાં આવતી હતી અને આજે છેવાડાના નાગરિકને વીજળી પહોચેં તેવુ સુદૃઢ આયોજન કરાયું છે. 34 વર્ષ પહેલાં અમેરિકા ખાતે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની મુલાકાત વેળાએ મેં સપને પણ વિચાર્યુ નહોતું કે ભારતમાં આનાથી પણ વિશાળ પ્રતિમા નિર્માણ પામશે. આજે ગુજરાત સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની અદભુત રચના નિહાળી ગૌરવનો અનુભવ કરું છું.

નવી શિક્ષણ નીતિ વિશે જણાવતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ શિક્ષણ નીતિ એ કોઈ પક્ષ કે સરકારની નીતિ માત્ર નથી, પરંતુ અનેક ગહન ચિંતન-સંશોધનો બાદ તૈયાર થયેલી સમગ્ર રાષ્ટ્રની શિક્ષણ નીતિ છે જેના પરિણામો આગામી દિવસોમાં સ્પષ્ટપણે જોવા મળશે. આ નીતિ અને તકનિકી વિકાસના કારણે દેશના વિદ્યાર્થીઓને વિશ્વના કોઈપણ ખૂણે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે.

રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીએ એકસેલન્સ ઈન હાયર એજયુકેશન કાર્યક્રમને ગુજરાત માટે ગૌરવનો દિન ગણાવતા કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે આજે ગુજરાતે તમામ ક્ષેત્રે નવા સોપાનો સર કર્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્ર-રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ-નોલેજ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ જ્ઞાનશક્તિનો મહિમા કરીને ગુજરાતના એજ્યુકેશન સેક્ટરને વર્લ્ડકલાસ ફેસેલિટીઝથી સજ્જ કર્યુ છે.