Site icon Revoi.in

રાજકોટના 14 જળાશયોમાં નવા નીરની આવક, ભાદર ડેમ-2 છલકાયો, આજી-2ના બે દરવાજા ખોલાયા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદને લીધે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં રાજકોટ જિલ્લાના 14 ડેમમાં નવા નીર આવ્યા છે. ધોરાજી પાસેનો ભાદર-2 ડેમ છલોછલ ભરાઈ ગયો છે. હવે ડેમ વિસ્તારમાં વરસાદ પડશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે, નદીકાંઠાના નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આજી-2 ડેમના 2 દરવાજા 0.15 મીટર ખોલાયા છે.

રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ 14 ડેમમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં ભાદર ડેમમાં 0.62 ફૂટ, વેણુ ડેમમાં 7.35 ફૂટ, આજી-3 ડેમમાં 3.41 ફૂટ,સોડવદર ડેમમાં 5.58 ફૂટ, સુરવો ડેમમાં 16.08 ફૂટ, મોજ ડેમ 4.20, ફોફળ ડેમ 2.40 ફૂટ, આજી-2 ડેમ 0.10 ફૂટ, સુરવો ડેમ 10 ફૂટ, ન્યારી-2 ડેમ 0.33, છાપરાવાડી-2 ડેમ 4.59 ફૂટ અને ભાદર-2 ડેમ 15.26 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. તો બીજી તરફ પાણની આવક વધતા આજી-2 ડેમ 2 દરવાજા 0.15 મીટર ખોલાવામાં આવ્યા છે.
ધોરાજીના ભાદર 2 ડેમ 100% ભરાઈ ચૂક્યો છે. ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદથી ભાદર-2 ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. જેમાં 654 ક્યુસેક પાણીની આવક છે અને હાલ સપાટી 52 મીટર પર પહોંચી ગઈ છે, હવે વરસાદ પડશે અને પાણીની આવક થશે તો ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તેવી સિંચાઈ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા સહીત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ભાદર બે ડેમ ભરાઇ જતા ડેમની આસપાસના નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના આજી-2 સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ડેમના 2 દરવાજા બપોરે 12.25 વાગ્યે 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલ્કા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગધાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ જણાવાયું છે.