અમદાવાદઃ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય 30મી ડિસેમ્બર 2021ના ઠરાવથી કરવામાં આવ્યો છે. તેમ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના 7.5 ટકા બદલે બમણુ એટલે કે,15 ટકા લેખે ચૂકવણું કરાશે. ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલા 12મી જાન્યુઆરી 2021ના પરિપત્ર તેમજ ત્યાર બાદ સમય-સમયે સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. જેથી ખેડૂતોને નુકશાનના પ્રમાણમાં વળતર મળી રહેશે.
તેમણે વધુમાં કહ્યું કે, જમીનના મૂલ્યના મૂલ્યાંકન માટે, જે-તે સમયના અને સ્થળના, સરકારશ્રીના પ્રવર્તમાન, ઓન લાઇન જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ 10 ટકા વધારો (ચક્રવૃદ્ધિ) ગણીને, વળતરની ગણતરી આખરી કરવાની રહેશે. આ જોગવાઇઓ નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ પ્રગતિમાં હોય તેવી ટ્રાન્સમિશન લાઇનના કામ માટે લાગુ પડશે.આ સુધારાને કારણે ટ્રાન્સમિશન લાઇન નાખવાના કામમાં ઝડપ આવશે.