અમદાવાદઃ રાજ્યમાં શિક્ષણના સ્તરમાં વધારો થાય તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાલનપુરમાં નવી સૈનિક સ્કૂલને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સ્કૂલમાં બાળકોને શિક્ષણની સાથે સૈનિક તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસી વિસ્તાર સંતરામપુર ખાતે વિજ્ઞાન પ્રવાહની નવી કોલેજ શરૂ કરાશે.
સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે,મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રવક્તા મંત્રીએ મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતાં કહ્યું હતું કે રાજ્યના યુવાનો સૈન્યમાં જોડાઈને પોતાની કારકીર્દિ ઘડીને દેશ સેવામાં જોડાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા પાલનપુર અને મહેસાણા ખાતે નવી સૈનિક સ્કૂલ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં પાલનપુર ખાતે બનાસ ડેરીમાં અને મહેસાણા ખાતે દૂધસાગર ડેરીમાં આ સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવશે. આ સૈનિક સ્કૂલમાં CBSC અભ્યાસક્રમ મુજબ શિક્ષણ કાર્ય અને સૈનિક તાલીમ આપવામાં આવશે. જેનો લાભ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના હજારો યુવાનોને થશે.
રાજ્યમાં લીંબાયત, વરાછા, જશદણ, બગસરા અને પાલીતાણા ખાતે બિન આદિજાતિ વિસ્તારમાં નવી સરકારી કોલેજો શરૂ કરાશે. જેમાં લીંબાયત ખાતે નવી આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન કોલેજ, વરાછા, જશદણ ખાતે વિજ્ઞાન કોલેજ અને પાલીતાણા ખાતે આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ થશે. જયારે કાછલ, ડેડીયાપાડા, ખેરગામ ખાતે વિજ્ઞાન પ્રવાહની અને ઉમરપાડા ખાતેની કોલેજોમાં વાણિજય અને વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવશે.
(PHOTO-FILE)