નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશના તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુમાં પશુ ચરબીના ઉપયોગના આરોપોની તપાસ કરવા માટે નવી સ્વતંત્ર SIT ની રચના કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, SITમાં બે CBI અધિકારીઓ, બે આંધ્રપ્રદેશ પોલીસ અધિકારીઓ અને FSSAIના એક વરિષ્ઠ અધિકારીનો સમાવેશ થશે. સીબીઆઈ ડાયરેક્ટર એસઆઈટીની તપાસ પર નજર રાખશે.
આ પહેલા કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, જો આરોપમાં કોઈ સત્ય હોય તો તે અસ્વીકાર્ય છે. સોલિસિટર જનરલે કહ્યું કે SIT પર વરિષ્ઠ કેન્દ્રીય અધિકારી દ્વારા દેખરેખ રાખવી જોઈએ, તેનાથી લોકોમાં વિશ્વાસ વધશે. તેના પર સુપ્રીમ કોર્ટે એક સ્વતંત્ર એસઆઈટીની રચના કરવાનું સૂચન કર્યું હતું. સીબીઆઈ અને રાજ્ય સરકાર તરફથી બે-બે સભ્યો હોઈ શકે છે. આ ઉપરાંત FSSAI તરફથી એક સભ્યને પણ આ સમિતિમાં રાખવા જોઈએ. FSSAI એ ખાદ્ય ચીજોની તપાસના મામલે સૌથી નિષ્ણાત સર્વોચ્ચ સંસ્થા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન છે. આવી સ્થિતિમાં તેઓ નથી ઈચ્છતા કે આ કોઈ રાજકીય ડ્રામા બને. સ્વતંત્ર સંસ્થા હશે તો આત્મવિશ્વાસ પેદા થશે. સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરીને અરજીનો નિકાલ કર્યો કે જો કોઈ સમસ્યા હોય તો તમે તપાસ બાકી હોય તો તમે ફરીથી કોર્ટનો સંપર્ક કરી શકો છો.