કોરોના સામે નવી SOP: 10 શહેરોમાં કરફ્યુ 10 વાગ્યાથી, ધો. 1 થી 9માં ઓફલાઈન શિક્ષણ બંધ
અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસમાં વધારો થતાં સરકારે આજે હાઈલેવલની બેઠક યોજીને નવી એસઓપી જાહેર કરી હતી. જેમાં અમદાવાદ સહિત 10 શહેરોમાં રાતના 10 વાગ્યથી સવારના 6વાગ્યા સુધી કરફ્યુનો અમલ રહેશે. તેમજ ધો. 1થી 9ની શાળાઓમાં 31મી જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.
આ ઉપરાંત હોટેલ રેસ્ટોરેન્ટસ બેઠક ક્ષમતાના 75% સાથે રાત્રિના 10:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ/રેસ્ટોરેન્ટ્સમાં હોમ ડિલિવરી સેવાઓ રાત્રિના 11:00 કલાક સુધી ચાલુ રાખી શકાશે. તેમજ લગ્ન અને સામાજિક પ્રસંગોમાં 400 લોકોની મંજૂરી રહેશે. અંતિમક્રિયામાં 100 વ્યક્તિઓ હાજરરહી શકશે. દુકાનો 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે. જાહેરપરિવહનની એસટી બસ,એએમટીએસ અને બીઆરટીએસ બસ, તેમજ ખાનગી ટ્રાવેલ્સની બસ વગેરેમાં પૂર્ણ કેપેસિટીના 75 ટકા પેસેન્જરોને બેસાડી શકાશે.તેમજ સિનેમા હોલ, જીમ,વોટરપાર્ક-સ્વિમિંગ પુલ, મનોરંજનના સ્થળો, વગેરેમાં ક્ષમતાના 50 ટકાને પ્રવેશ આપવાનો રહેશે.
રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ખેડા, નડિયાદ, જામનગર, જૂનાગઢ સમાવેશ થાય છે.
છેલ્લે કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન, 2021માં ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી હતી. હવે આઠ મહિના પછી ફરી એવી સ્થિતિ સર્જાઈ છે.