જૈન તીર્થ શંખેશ્વરમાં ચાર વખત ખાતમુહૂર્ત છતાં 15 વર્ષથી નથી બન્યું નવું ST બસ સ્ટેન્ડ
શંખેશ્વરઃ જૈન તીર્થ શંખેશ્વર બીજા નંબરનું પ્રસિદ્ધ જૈન તીર્થ ગણવામાં આવે છે. દરવર્ષે હજારો જૈન યાત્રિકો દેશ-વિદેશથી આવતા હોય છે. પરંતુ મુસાફરો માટે વર્ષોથી નવીન એસટી બસ સ્ટેન્ડની કામગીરી કરાતી નથી. આશ્વર્યની વાત તો એ છે. કે, ચાર વખત નવા બસ સ્ટેન્ડનું ખાત મુહૂર્ત થયું હોવા છતાંયે છેલ્લા 15 વર્ષથી નવું બસ સ્ટેન્ડ બની શક્યું નથી.
પાટણ જિલ્લાનો છેવાડાનો તાલુકો શંખેશ્વર છે. શંખેશ્વર બીજા નંબરનું પ્રસિદ્ધ જૈનતીર્થ છે. અહીં પર્યુષણના સમયે હજારોની સંખ્યામાં જૈન યાત્રિકો આવતા હોય છે. સવાલ એ છે કે આ શંખેશ્વર જૈન તીર્થમાં આવતા મુસાફરો માટે આવવા જવા સારું એસટીનું બસસ્ટેન્ડ નથી. દરેક શહેરમાં એક બસસ્ટેન્ડ એ પ્રાથમિક સુવિધા ગણાય છે. પણ આ તાલુકામાં સારૂ એસટીનું બસસ્ટેન્ડ નથી. તે એક શરમજનક બાબત ગણાય. એસટીનું નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટે માલ સમાનના ઢગલા કરાયા હતા, જે ઘણા વર્ષોથી પડ્યો હોવાથી માલ-સામાન હવે ભંગાર બની ગયો છે.
શંખેશ્વરમાં જુનુ એસટી બસ સ્ટેન્ડ 2004માં દબાણ ઝુંબેશ દરમિયાન બજાર સાથે તોડી પાડવામાં આવ્યુ઼ હતું અને હાઇવે પર કામચલાઉ પતરાના શેડ નીચે પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. ત્યાંજ નવા બસ સ્ટેન્ડને બનાવવા મંજૂરી આપવામાં આવી હતી. જેને પગલે બાંધકામ માટે મટીરીયલ ઉતારવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી બસસ્ટેન્ડમાં એક ઇંટ પણ મુકવામાં આવી નથી. પ્રાથમિક સુવિધા દેખાવા પૂરતી પણ જોવા મળતી નથી. વધુમાં અનેક રાજકીય આગેવાનો નવીન બસ સ્ટેન્ડનું ખાતા મુહૂર્ત કરવા આવ્યા અને માલ સમાન પણ ઉતારવામાં આવ્યો પણ કામગીરીના નામે માત્ર મીંડું જોવા મળી રહ્યું છે. માલ સમાન પણ કાટમાળ બની જવા પામ્યો છે. તો જે જગ્યા બસ સ્ટેન્ડ માટે ફાળવી છે તે માત્ર તળાવની જગ્યા છે, જેનું પુરાણ પણ કરવામાં આવ્યું નથી. જેને લઇ હાલ તો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૈનોના તીર્થસ્થાન શંખેશ્વર ખાતે દર્શન માટે મોટી સંખ્યામાં લોકો દૂર-દૂરથી આવતા હોય છે પરંતુ પ્રાથમિક સુવિધા એવા એસટી બસ સ્ટેન્ડની વ્યાપક જરૂરિયાત છે. હાલ જે કામ ચલાઉ બસ સ્ટેન્ડ છે તેમાં કોઈ સગવડ નથી અને અહીંયા વિકાસની ખાસ જરૂરિયાત છે. નવા બસ સ્ટેન્ડ માટે અનેક વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા પણ કામગીરી કોઈજ કરવામાં આવી નથી. શિયાળો, ઉનાળો કે ચોમાસુ ત્રણેય ઋતુ માં મુસાફરોને ખુબજ તકલીફ પડી રહી છે.