અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 125 નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઇ તેમજ કોઇપણ ગામ પરિવહન સેવાથી વંચિત ન રહે તે માટે નવીન બસોની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ નવીન બસોથી મુસાફરો/ વિદ્યાર્થીઓને પરિવહન સેવાનો લાભ મળશે. નિગમ મુસાફરોને સમયસર અને આરામદાયક મુસાફરીની સાથે સલામતીના ધ્યેય સાથે કામ કરે છે. નવસારી ખાતે મુસાફરોને આરામદાયક સુવિધા માટે મીની બસો-70, સ્લીપર-20 તેમજ 2*2 સીટર – 35 બસોનો સમાવેશ કરાયો છે. આ કાર્યક્રમ બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સાંસદ સી.આર.પાટીલ સહિત અન્ય મહાનુભાવો બસમાં મુસાફરી કરી ચીખલી ખાતે નવનિર્મિત પોલીસ આવાસના લોકાર્પણ કાર્યક્રમમાં રવાના થયા હતા.
આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, ધારાસભ્યો નરેશભાઇ પટેલ, આર.સી.પટેલ, રાકેશભાઇ દેસાઇ તથા નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ જીગીશભાઇ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહયાં હતાં.
રાજ્યની જનતાને પરિવહનની સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા બસ સેવામાં સતત વધારો કરી રહી રહ્યું છે. તાજેતરમાં જ રાજ્યના ધાર્મિક સ્થળો સુધી મોટી સંખ્યામાં બસો દોડાવવાનો નિર્ણય લેવાયો હતો.