બ્રિટન ઉપરાંત વિશ્વના 41 દેશમાં નોંધાયા કોરોનાના નવા સ્ટ્રેન
દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન બ્રિટન સહિત દુનિયાના 41 દેશમાં પ્રવેશ્યો હોવાનું ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું. ભારતમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 50થી વધારે કેસ નોંધાયાં છે.
ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, ‘બ્રિટનમાં ઓળખાયેલુ કોરોના વાયરસનુ નવુ સ્વરૂપ, 41 દેશોમાં પહોંચી ગયુ છે. જો કે, હાલમાં ચેપની સંખ્યા મુખ્યત્વે ઓછી છે. નોંધપાત્ર રીતે, ગયા વર્ષે 14 ડિસેમ્બરના રોજ, યુકે એ કોરોના વાયરસના નવા વાયરસની ઓળખ કરી હતી. તેમાં ચેપ કાર્યક્ષમતા 70 ટકા વધારે હોવાનુ જાણવા મળ્યુ છે. ત્યારથી, વિશ્વના ઘણા દેશોએ યુકેની આવન-જાવન પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલેથી જ, યુરોપમાં કોરોનાના સતત વધતા જતા કેસો અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, તેમાં કોરોનાના આ નવા પ્રકારોની ઓળખ થયા પછી પડકાર વધી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપના 50થી વધારે કેસ નોંધાયાં છે. તેમજ બ્રિટનથી આવેલા પ્રવાસીઓને શોધી કાઢવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.