Site icon Revoi.in

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા નવી ‘વોલ્યુન્ટરી કોમ્પલાયન્સ સ્કીમ-2023’ અમલમાં મૂકાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરોટીના સચિવના જણાવ્યા અનુસાર, રેરા એક્ટ- 2016ની કલમ- 34 હેઠળ મળતી સત્તાથી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા તા. 23મી ઓક્ટોબર 2023ના રોજ હુકમ નંબર 82થી ‘વોલ્યુન્ટરી કોમ્પલાયન્સ સ્કીમ- 2023’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત દંડનીય કાર્યવાહી કર્યા સિવાય નિયત પ્રોસેસિંગ ફી ભરપાઈ કર્યેથી જે તે પ્રમોટર પોતાના પ્રોજેક્ટના ત્રિમાસિક અથવા અંતિમ અહેવાલ રેરાના વેબ પોર્ટલ ઉપર ભરી શકશે. 

સત્તાવાર સુત્રોના જણાવ્યાનુસાર આ નવી યોજનાના અમલથી હવે પ્રમોટરને સુઓમોટો કેસની કાર્યવાહી અને તે અન્વયે થનાર પેનલ્ટીમાંથી મુક્તિ મળે છે, તેમજ સામાન્ય નાગરિકોને જે તે પ્રોજેક્ટની વિગતો રેરાના પોર્ટલ ઉપરથી ઉપલબ્ધ થઈ શકે છે. આ યોજના અંતર્ગત અંદાજે 625 જેટલા પ્રોજેક્ટને લાભ મળવા પાત્ર થશે. આ સ્કીમની વિગતવાર માહિતી રેરાની વેબસાઈટ https://gujrera.gujarat.gov.in  ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે. વધુમાં આ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીઓએ તે સંબંધે કોઈ સ્પષ્ટતા કે માર્ગદર્શનની જરૂરિયાત જણાય તો રેરા કચેરીનો સંપર્ક સાધી માર્ગદર્શન મેળવી શકાશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રેરા એક્ટ- 2016ની કલમ- 4 તથા કલમ-11 તેમજ ગુજરાત રીયલ એસ્ટેટ રૂલ્સ- 2016ના રૂલ- 10ની જોગવાઈઓ અનુસાર દરેક પ્રમોટર કે ડેવલોપરે જે તે પ્રોજેક્ટના ત્રિમાસિક અથવા અંતિમ અહેવાલ “ગુજરેરા પોર્ટલ” ઉપર નિયત કરવામાં આવેલી સમય મર્યાદામાં ફાઈલ કરવા જરૂરી છે. આવું નહીં કરવાથી જે તે પ્રમોટર કે ડેવલોપર રેરા એક્ટ- 2016ની કલમ- 60, 61 અને 63ની જોગવાઈઓ અનુસાર દંડનીય કાર્યવાહીને પાત્ર બનશે.