Site icon Revoi.in

ગુજરાતના જળાશયોમાં નવા પાણીની આવકઃ 13 ડેમ 70 થી 100 ટકા ભરાયેલા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેથી જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 3 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 7 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 13 ડેમ લગભગ 70થી 100 ટકા જેટલા ભરાયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 27 જુલાઇ સુધી રાજયમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ દરમિયાન 21 કલાકમાં 33 જિલ્લાના 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેથી જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જ્યારે 13 ડેમ 70 થી 100 ટકા ભરાયેલા છે. 17 ડેમમાં 50 ટકા થી 70 ટકા ભરાયેલા છે. જ્યારે 68 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. 105 ડેમમાં 25 ટકા પણ ઓછું પાણી છે.

અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવાડી અને સાવરકુંડલાના સુરજવાડીને હાઈ એલર્ટ પર રખાયા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ભાણવાડના કાબરકા ડેમને પણ હાઈ એલર્ટ પર રખાયો છે. ઉપરાંત ભાવનગરના તળાજા તાલુકાના પિંગળી, ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના રાવલ, મોરબીના મચ્છુ અને રાજકોટના આજી-2 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યના જળાશયોમાં થઈ રહેલા નવા પાણીની આવકને પગલે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે.