Site icon Revoi.in

ગુજરાતમાં મેઘમહેરને પગલે જળાશયોમાં નવા પાણીની આવક

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેઘરાજા મનમુકી વરસ્યાં હતા. રાજ્યમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યમાં મેઘમહેરને કારણે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે. 

રાજ્યભરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણા અને વલસાડ-નવસારીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી અને બોટાદમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગીર-સોમનાથ, અમદાવાદ, અમરેલી, ભાવનગરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યા બાદ આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની વકી વ્યક્ત કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, આણંદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમ વરસાદની સંભાવના છે. તો નવસારી વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.