રાજ્યમાં વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવકઃ 5 ડેમ છલકાયાં
- કચ્છના 4 અને સૌરાષ્ટ્રનો એક ડેમ સંપૂર્ણ ભરાયો
- સરદાર સરોવર ડેમમાં 51.61 ટકા જળસંગ્રહ
- ઉત્તર ગુજરાતના જળાશયોમાં 47 ટકા પાણી
- સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 21 ટકા પાણીનો સંગ્રહ
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના આરંભ સાથે સતત વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યના 206 જેટલા જળાશયોમાં હાલ લગભગ 40 ટકા જેટલુ પાણી છે. જ્યારે પાંચ ડેમ છલકાયાં હોવાનું જાણવા મળે છે. સરદાર સરોવર ડેમમાં 51.61 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
કચ્છના 20 ડેમમાં 48.48 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમ 46.85 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં હાલ 20.76 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આવી જ રીતે મધ્ય ગુજરાતના 17 ડેમ 31.45 ટકા પાણીથી ભરેલા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 33.41 ટકા પાણી ઉપબલ્ધ છે. રાજ્યના લગભગ પાંચ જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તેમાં સૌરાષ્ટ્રનો એક અને કચ્છના 4 જળાશયોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે અને ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સતત ત્રણ વિવસથી સર્જાયેલા વરસાદી માહોલને પરિણામે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે, તેમજ વાવણીની કામગીરીને વધારે તેજ બનાવી છે. રાજ્યમાં હાલ વરસી રહેલા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે બીજી તરફ ચોમાસા પૂર્વે સુજ્જલ જળસંચય યોજના હેઠળ ઉંડા કરાયેલા તળાવોમાં પણ પાણીની આવક થઈ રહી છે.
(PHOTO-FILE)