ગુજરાતમાં જળાશયોમાં નવા પાણીની આવક, 206 ડેમમાં 36 ટકા પાણીનો સંગ્રહ
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 55 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે.
ભારે વરસાદની આગાહી મુજબ સચેત પોર્ટલ દ્વારા સંબંધિત જિલ્લાના નાગરિકોને એસ.એમ.એસ. મારફતે આગોતરી જાણ કરાય છે, રાજ્યના 206 જળાશયો પૈકી હાઈ એલર્ટ પર 13 છે, જ્યારે એલર્ટ પર 11 અને વોર્નિંગ પર 16 ડેમ, રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાનો 36.62 ટકા જેટલો સંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં 54.94 ટકા જેટલો સંગ્રહ થયો છે, રાજ્યમાં ભારે વરસાદને પરિણામે 45 વ્યક્તિઓનો રેસ્ક્યુ અને 398 વ્યક્તિઓનો સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.
રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ 2,05,122 એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ ક્ષમતાનો 36.62 ટકા જેટલો છે. સરદાર સરોવરમાં 1,83,532 એમ.સી.એફ.ટી જેટલો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 54.94 ટકા જેટલો છે.