નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. આજે લગભગ 11માં દિવસે પણ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર રશિયાએ બોમ્બ વરસાવ્યાં હતા. બીજી તરફ વિવિધ દેશો રશિયાની કાર્યવાહી નારાજગી વ્યક્ત કરીને પ્રતિબંધ ફરમાવી રહ્યાં છે. આવા દેશોની યાદીમાં હવે ન્યૂઝીલેન્ડનો પણ સમાવેશ થયો છે. ન્યૂઝીલેન્ડ દ્વારા પણ રશિયાના રાષ્ટ્રપતિ સહિત 100 મહાનુભાવો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી કરવા મુદ્દે અમેરિકા અને બ્રિટન સહિતના દેશોએ નારાજગી વ્યક્ત કરીને કેટલાક આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. જ્યારે ચીન અને પાકિસ્તાને રશિયાની કાર્યવાહીને સમર્થન આપ્યું છે. બીજી તરફ ભારત તમામ પ્લેટફોર્મ ઉપર તટસ્થ રહીને બંન દેશોને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવાનો સતત અપીલ કરી રહ્યું છે. તેમજ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. દરમિયાન ભારત અને રશિયા વચ્ચે વર્ષો જૂના સંબંધ છે.
અમેરિકા, બ્રિટેન સહિતના દેશો બાદ હવે ન્યૂઝીલેન્ડે પણ રશિયા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સહિત 100 વ્યક્તિઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ યાદીમાં વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિન, રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુ અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવનો સમાવેશ થાય છે. બીજી તરફ રશિયા કોઈ પણ પ્રકારના પ્રતિબંધોની ચિંતા કર્યા વિના પોતાના મિશન ઉપર સતત આગળ વધી રહ્યું હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે. તેમજ યુદ્ધનું શુ પરિણામ આવે છે તેની ઉપર દુનિયાની નજર મંડાયેલી છે.