Site icon Revoi.in

T-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, કેન વિલિયમસન ટીમનો કેપ્ટન

Social Share

નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડે આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. અનુભવી કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ડેવોન કોનવે, જે અંગૂઠાની ઈજાને કારણે ચાલી રહેલી IPL 2024માંથી બહાર થઈ ગયો હતો, તે ટીમમાં પાછો ફર્યો છે. ખેલાડી તરીકે વિલિયમસનનો આ છઠ્ઠો T20 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે ચોથો T20 વર્લ્ડ કપ છે. ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં શરૂ થનારી ટી-20 ટૂર્નામેન્ટ દરમિયાન ટીમો વચ્ચેની અલગ-અલગ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, ‘હું પસંદ કરાયેલા તમામ ખેલાડીઓને અભિનંદન આપવા માંગુ છું. આ તે ખાસ ખેલાડીઓ છે જે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે વેસ્ટ ઈન્ડિઝની સ્થિતિ તદ્દન અલગ અને પડકારજનક હશે. અમે તે સંજોગો અનુસાર અમારી ટીમ પસંદ કરી છે. કિવી ટીમે તાજેતરમાં ઘણા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો કારણ કે, સિનિયર ખેલાડીઓ IPLમાં વ્યસ્ત છે. માઈકલ બ્રેસવેલની કપ્તાનીમાં કિવી ટીમે પાકિસ્તાન સામેની પાંચ મેચોની શ્રેણી 2-2થી ડ્રો કરી હતી. વરસાદના કારણે એક મેચ રદ્દ થઈ હતી. આવી સ્થિતિમાં, દિગ્ગજ ખેલાડીઓની વાપસીથી આ ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે.

કોનવે અને એલનને ઓપનિંગની જવાબદારી આપવામાં આવી શકે છે. આ સાથે જ વિલિયમસન ત્રીજા નંબર પર અને રચિન ચોથા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. પછી ડેરીલ મિશેલ અને નીશમ મોટા શોટ મારવામાં નિષ્ણાત છે. બ્રેસવેલ, સેન્ટનર અને સોઢી સ્પિનની જવાબદારી સંભાળતા જોવા મળશે. સાથે જ ઝડપી બોલિંગની જવાબદારી અનુભવી સાઉદી, હેનરી અને ફર્ગ્યુસનના હાથમાં રહેશે. ડેરીલ ચોથા ઝડપી બોલરની ભૂમિકા ભજવી શકે છે. કિવી ટીમે ફાસ્ટ બોલરો કરતાં સ્પિનરોને વધુ પસંદ કર્યા છે.

ન્યુઝીલેન્ડની T20 વર્લ્ડ કપ ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી.(રિવોઈ)