દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ટી-20 સિરીઝનો પ્રારંભ થશે. ભારતીય ટી-20 ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમ આજે જાહેર થઈ હતી. જેમાં કેપ્ટન કેન વિલિયમસનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમજ ટીમની કમાન ટિમ સાઉથીને સોંપવામાં આવી છે
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સામેની ટી-20 શ્રેણી માટે 14 સભ્યોની ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમમાં પાંચ ફાસ્ટ બોલરોનો સમાવેશ કરાયો છે. ફાસ્ટ બોલિંગમાં ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન મુખ્ય આધાર છે.. જ્યારે કાયલ જેમિસન ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. કેન વિલિયમસનની ગેરહાજરીમાં માર્ટિન ગુપ્ટિલના ખભા પર બેટીંગની જવાબદારી રહેશે. આ સિવાય ડેરેલ મિશેલ, ટિમ સેફર્ટ, ગ્લેન ફિલિપ્સ પણ હશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે 17 નવેમ્બરથી ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ જયપુરમાં રમાયા બાદ બીજી મેચ રાંચીમાં અને ત્રીજી મેચ કોલકાતામાં રમાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયામાં પણ મોટા પાયે ફેરફાર થયાં છે. વિરાટ કોહલીએ કેપ્ટન પદ છોડ્યાં બાદ સમગ્ર જવાબદારી રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ ઉપરાંત હેડ કોચની જવાબદારી રાહુલ દ્રવિડને સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યોજાયેલી ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડનો પરાજય થયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
(Photo-File)