Site icon Revoi.in

ગાંધીનગર નજીક કોટેશ્વરમાં વૃક્ષછેદનના મુદ્દે પર્યાવરણ વિભાગને NGTની નોટિસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિકાસના નામે મોટા પ્રમાણમાં વૃક્ષછેદન કરવામાં આવી રહ્યું છે. વૃક્ષછેદન સામે કડક કાયદો તો છે, પણ સરકાર પોતે જ લીલીછમ વૃક્ષોનું છેદન કરીને કાયદાનો ભંગ કરી રહી છે. દરમિયાન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં ગેરકાયદે વૃક્ષ નિકંદન મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગુજરાતના પર્યાવારણ ખાતાને નોટિસ ફટકારી છે.

સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં આવેલા 77 હેક્ટર જંગલને જોખમ હોવાને મામલે એનજીટીએ સુઓમોટો દાખલ કરી છે. એનજીટીની બેન્ચના ચેરપર્સન જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘અમારી પાસે જે અહેવાલની વિગત આવી છે તેના અનુસાર આ જંગલમાં 700 વિવિધ પ્રકારના વૃક્ષો છે. આ ઉપરાંત તે પ્રાણીઓની વસાહતથી પણ નજીક છે. વિકાસની આંધળી દોટમાં તેને પણ નુકસાન થઈ શકે છે. શહેરી દબાણને લીધે બાયોડાયવર્સિટી પર ખતરો ઊભો થયો છે. આ બાયોડાઇવર્સિટી પાર્ક રિવરફ્રન્ટ એક્સ્ટેન્શન પ્લાનનો જ એક ભાગ છે.’ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની લીગલ એક્સપર્ટ કમિટી દ્વારા પર્યાવરણના નિયમોના ઉલ્લંઘન થયાનું નોંધવામાં આવ્યું છે. આ બાબતે ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર પાસેથી ખુલાસો માગવામાં આવેલો છે. 18મી નવેમ્બર પહેલા જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. આ કેસમાં આગામી સુનાવણી 18મી નવેમ્બરે યોજાશે.

ગુજરાતમાં રોડ-રસ્તાઓ સહિત વિકાસના કામોને લીધે નડતરરૂપ બનતા લીલાછમ વૃક્ષો કાપવામાં આવતા હોય છે. શહેરના એસજી હાઈવે પર બની રહેલા ઓવરબ્રિજને નડતરરૂપ ગણાબધા વૃક્ષો કાપવામાં આવ્યા છે. આવું તો ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. સરકાર પોતે જ કાયદાનો ભંગ કરતા હોય તો કહેવુ કોને, હાલ તો એનજીટીએ નોટિસ આપતા સરકાર હસ્તકનું પર્યાવરણ વિભાગ જ ચર્ચાનો વિષય બન્યું છે.