Site icon Revoi.in

NHL મેડિકલ કોલેજ હોસ્ટેલનું બિલ્ડિંગ 5 વર્ષમાં બન્યુ ખંડેર

Social Share

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનનો અંદેર વહિવટનો વધુ એક નમુનો પ્રકાશમાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા કરોડોના ખર્ચે શહેરના પાલડી વિસ્તારમાં એનએચએલ મેડિકલ કોલેજની હોસ્ટેલ માટે બિલ્ડિંગ બનાવવામાં આવ્યુ હતું. આ બોયઝ હોસ્ટેલનું બિલ્ડિંગ છેલ્લા 5 વર્ષથી યોગ્ય ઉપયોગ ન કરવાના કારણે જર્જરિત બની ગયુ છે. જર્જરિત થયેલી ઇમારતોને પણ રિનોવેશન કરી નવી કરવામાં આવતી નથી. જેના કારણે આવી બિલ્ડિંગ ખાલી પડી રહી છે.

શહેરના પાલડી વિસ્તારમાં પ્રિતમનગર પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત NHL મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલી બોયઝ હોસ્ટેલ છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. હોસ્ટેલ બંધ હાલતમાં હોવાના કારણે ખંડેર અને જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. હોસ્ટેલના કેમ્પસમાં દારૂની બોટલો જોવા મળે છે, રૂમમાં ભંગારનો સામાન મૂકી દેવાયો છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના હિત માટે મ્યુનિ. બોયઝ હોસ્ટેલનું વહેલી તકે રિનોવેશન કરવા માટેની કરવા કોંગ્રેસની માંગ છે.

AMC દ્વારા વર્ષ 2007માં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાલડી પ્રિતમનગર ખાતે મ્યુનિ. NHL મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ બનાવવામાં આવી હતી. વર્ષ 2019માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્ટેલ ખાલી કરાવીને બંધ કરી દેવામાં આવી હતી. બંધ હાલતમાં અને બિન વપરાશ હોવાના કારણે જર્જરિત થઈ ગઈ છે. એક તરફ SVP હોસ્પિટલ ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ બનાવવામાં આવી છે, તેમાં હાલ 1100 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, પરંતુ હાલમાં મેડિકલના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી આ હોસ્ટેલમાં મેડિકલના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થઇ શક્તો નથી. આ અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, પાલડી ખાતે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે બોયઝ હોસ્ટેલ હોવા છતાં પણ હોસ્ટેલને રિનોવેશન કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી તેનું રિનોવેશન કરવામાં આવતું નથી. પૈસાની અછત હોવાના બહાના કાઢીને રિનોવેશન ન કરનારા ભાજપના સત્તાધીશો અને અધિકારીઓની આ લાલિયાવાડીનું ઉદાહરણ છે. જો હોસ્ટેલને રિનોવેશન કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓ રહેવા માટેની જગ્યા મળી શકે તેમ છે.