નવી દિલ્હીઃ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) એ કોલકાતાની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યના પોલીસ વડાને નોટિસ જારી કરી છે. પંચે સંબંધિત અધિકારીઓ પાસેથી 2 અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે.
NHRCએ મંગળવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, કમિશને 9 ઓગસ્ટના રોજના મીડિયા રિપોર્ટ પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. અહેવાલો અનુસાર, 9 ઓગસ્ટના રોજ, કોલકાતામાં સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં એક જુનિયર મહિલા ડૉક્ટર મૃત હાલતમાં મળી આવી હતી.
અહેવાલ મુજબ, મૃતકના શરીર પર સ્ક્રેચના નિશાન હતા, જે દર્શાવે છે કે ઘટના સમયે પીડિતા દ્વારા સંઘર્ષ થયો હતો. પરિવારનો આરોપ છે કે પીડિતા પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી છે.
કમિશને અવલોકન કર્યું છે કે, મીડિયા રિપોર્ટની સામગ્રી, જો સાચી હોય તો, પીડિતાના માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં આ મામલે વિગતવાર અહેવાલ માંગ્યો છે.
રિપોર્ટમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસની વર્તમાન સ્થિતિ અને દોષિત વ્યક્તિઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી તેમજ મૃતકના નજીકના સંબંધીઓને ચૂકવવામાં આવતા વળતરનો સમાવેશ થવાની અપેક્ષા છે. કમિશન એ પણ જાણવા માંગે છે કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે સત્તાવાળાઓ દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે અથવા લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
તમને જણાવી દઈએ કે, ગયા શુક્રવારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડના ચોથા માળે એક મહિલા ડોક્ટરનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. હત્યા અને બળાત્કારનો આરોપ લગાવતા આરજી કારના જુનિયર ડોક્ટરોએ આંદોલન શરૂ કર્યું છે અને સતત ધરણા પર બેઠા છે. બાદમાં અન્ય ડોકટરો પણ આ આંદોલનમાં જોડાયા હતા. આ આંદોલન માત્ર આરજી કાર મેડિકલ કોલેજ પુરતું સીમિત ન હતું, પરંતુ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં પણ ફેલાઈ ગયું હતું. દેશની વિવિધ હોસ્પિટલોના ડોકટરોએ પણ વિરોધમાં ભાગ લીધો હતો.
#HumanRights #JusticeForVictims #MedicalSafety #NHRCIndia #StopViolence #WomensRights #MedicalCollegeProtest #JusticeForDoctors #PoliceInvestigation #SafetyInHealthcare