નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા પાડી રહી છે. NIAએ જમ્મુ અને સાંબા શહેરોમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યાં હતા. આ દરોડા આસામના ગુવાહાટીમાં પણ ચાલી રહ્યા છે. NIAના અધિકારીઓએ નકલી દસ્તાવેજો બનાવવાના કેસમાં ગુવાહાટીમાં તપાસ કરી હતી. NIAએ 10 રાજ્યોમાં દરોડા પાડી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. માનવ તસ્કરી સંબંધિત મામલાઓને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
NIA દ્વારા માનવ તસ્કરીના મામલામાં જે રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, હરિયાણા, પુડુચેરી, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના રાજ્યો એવા છે કે તેમની સરહદો પડોશી દેશો સાથે જોડાયેલી છે. ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આસામ તેમની સરહદો બાંગ્લાદેશ સાથે વહેંચે છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર તેની સરહદ પાડોશી દેશ પાકિસ્તાન સાથે વહેંચે છે.
જમ્મુ અને સાંબામાં દરોડા પાડવામાં આવ્યા બાદ એનઆઈએએ મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમ નિવાસીની અટકાયત કરી હતી. આ બંને શહેરોના અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મ્યાનમારથી આવતા લોકો જ્યાં રહેતા હતા તે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન અને માનવ તસ્કરી સંબંધિત કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. NIAએ જમ્મુના ભટિંડી વિસ્તારમાંથી ઝફર આલમ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં NIAએ છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આમાં પાલીકરણ, પ્રવાઈ અને કલમપક્કમ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં પણ બાંગ્લાદેશથી તસ્કરી કરીને લવાયેલા લોકોની શોધ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. એનઆઈએના સૂત્રોએ દરોડાની પુષ્ટિ કરી અને કહ્યું કે, આ અંગે દેશભરમાં કેસ નોંધવામાં આવ્યા છે અને શોધ પણ ચાલી રહી છે. દેશના અલગ-અલગ વિસ્તારોમાં માનવ તસ્કરી અંગેના કેસ નોંધાયા છે.
NIAને માહિતી મળી છે કે, બાંગ્લાદેશ મારફતે માનવ તસ્કરીમાં સામેલ લોકો દેશના અલગ-અલગ ભાગોમાં સ્થાયી થયા છે. જેમાં મોટાભાગના રોહિંગ્યા મુસ્લિમો છે. આ સિવાય ઘણી જગ્યાએ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહેતા હોવાની પણ માહિતી મળી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.
(PHOTO-FILE)