પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પર NIA ની મોટી કાર્યવાહીઃ 14 જીલ્લાના 45 ઠેંકાણાઓ પર પાડ્યા દરોડા
- પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી NIAની લાલઆંખ
- એનઆઈએ કરી મોટી કાર્યવાહી
- 14 જીલ્લાના 45 ઠેંકાણાઓ પર દરોડા
શ્રીનગરઃ જમ્મુ -કાશ્મીરમાં ટેરર ફંડિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 14 જિલ્લાઓમાં 45 સ્થળો પર તાબડતોડ દરોડા પાડ્યા હતા. NIA ની સાથે જમ્મુ -કાશ્મીર પોલીસ અને CRPF ના જવાનો પણ દરોડામાં જોડાયા હતા. આ દરમિયાન જમાત-એ-ઇસ્લામી નામના પ્રતિબંધિત સંગઠનના સભ્યોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સંગઠન પાકિસ્તાન તરફી હોવાને કારણે આ અલગતાવાદી સંગઠનને વર્ષ 2019 માં કેન્દ્ર સરકારે પ્રતિબંધિત જાહેર કર્યો હતો.
પ્રતિબંધ હોવા છતાં ઘાટી વિસ્તારોમાં જમાત-એ-ઇસ્લામીની પ્રવૃત્તિઓ વધ્યા બાદ NIA દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટસ પ્રમાણે દરોડા પહેલા દિલ્હીથી એક વરિષ્ઠ ડીઆઈજી અને તેમની આખી ટીમ શ્રીનગર આવી પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે શ્રીનગર, બડગામ, ગાંદેરબલ, બારામુલા, કુપવાડા, બાંદીપોરા, અનંતનાગ, શોપિયાં, પુલવામા, કુલગામ, રામબન, ડોડા, કિશ્તવાડ અને રાજૌરી જિલ્લામાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 31 જુલાઈએ એનઆઈએએ આઈડી રિકવરી અને ટોચના લશ્કર-એ-મુસ્તફા કમાન્ડર હિદાયતુલ્લાહ મલિક સંબંધિત કેસના સંદર્ભમાં જમ્મુ-કાશ્મીરમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા.