ISના આતંકીઓ દેશમાં શરિયા કાયદો સ્થાપિત કરવા માંગતા હતા, મેંગલુરુ કેસમાં NIAની ચાર્જશીટમાં ખુલાસો
- નવેમ્બર 2022માં થયો હતો બોમ્બ બ્લાસ્ટ
- મેંગલુરુના મંદિરમાં બ્લાસ્ટનું ઘડાયું હતું કાવતરુ
બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા વર્ષે નવેમ્બરમાં કર્ણાટકના મેંગલુરુમાં થયેલા ઈસ્લામિક સ્ટેટ (IS) પ્રાયોજિત પ્રેશર કૂકર બ્લાસ્ટ કેસમાં બુધવારે બે આરોપીઓ સામે કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીઓમાંથી એક એવા મોહમ્મદ શારિક, 19 નવેમ્બર, 2022 ના રોજ એક ઓટો-રિક્ષામાં પ્રેશર કૂકર IED લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. હવે બંને આરોપીઓ સમક્ષ અદાલતમાં ચાર્જફ્રેમ કરવામાં આવશે.
એનઆઈએના જણાવ્યા અનુસાર, આરોપીઓએ હિન્દુ સમુદાયમાં આતંક ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે મેંગલુરુના કાદરી મંજુનાથ મંદિરમાં IED પ્લાન્ટ કરવાનું કાવતરુ ઘડ્યું હતું, પરંતુ ઓછી તીવ્રતાનો બોમ્બ રસ્તામાં ફાટ્યો હતો. આ સંદર્ભમાં, IPCની કલમ 120B અને 307 અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ 1908ની કલમ 3, 4 અને 5 હેઠળ 23 નવેમ્બર 2022ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો.
NIAએ જુલાઈ 2023માં શારિકની સાથે તેના સહ-આરોપી સૈયદ શરિકની ધરપકડ કરી હતી. તેમજ બંને આરોપીઓની લંબાણપૂર્વકની તપાસ કરી હતી. દરમિયાન તપાસનીશ એજન્સી એનઆઈએ આજે કોર્ટમાં બંને આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. એનઆઈએની તપાસ અનુસાર, શારિક અને સૈયદે એક ઓનલાઈન હેન્ડલર સાથે મળીને ખિલાફત (શરિયા કાયદો) સ્થાપિત કરવાના કાવતરાના ભાગરૂપે બ્લાસ્ટની યોજના બનાવી હતી. કાવતરાના ભાગ રૂપે, મોહમ્મદ શારીકે પ્રેશર કૂકર IED તૈયાર કર્યું અને સૈયદ યાસીને વિસ્ફોટક માટે સામગ્રી પુરી પાડી હતી.