નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમે મંગળવારે તમિલનાડુમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમજ એનઆઈએ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ દરોડા ISISના આતંકવાદ અને આતંકી ફંડિંગ અને ભરતીને લઈને પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રવિવારે હૈદરાબાદના સૈદાબાદના શંખેશ્વર બજારમાં રહેણાંક એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ISISના શંકાસ્પદ સભ્ય રિઝવાન અલીની ધરપકડ સાથે સીધો સંબંધ છે. રિઝવાન અલી વિસ્ફોટકોમાં નિપુણતા માટે જાણીતો હોવાનું જાણવા છે.
દિલ્હીના રહેવાસી રિઝવાનને 9 ઓગસ્ટના રોજ દિલ્હી સ્પેશિયલ સેલે પકડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તે ભારતના ઘણા શહેરોમાં હુમલાની યોજના બનાવી રહ્યો હતો. શંખેશ્વર બજારમાં ગ્રીન વ્યૂ એપાર્ટમેન્ટમાં દરોડા પાડવાની આ કાર્યવાહી રિઝવાનની પૂછપરછ બાદ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, રિઝવાને હૈદરાબાદમાં તેના રોકાણ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તે કાપડના વેપારીની આડમાં લગભગ છ મહિનાથી એપાર્ટમેન્ટમાં રહેતો હતો.
આતંકવાદી ગતિવિધિઓનું આયોજન કરતી વખતે તેણે લો પ્રોફાઇલ જાળવી રાખ્યું હતું. NIAએ રિઝવાન સાથે મળીને તેના છુપાયેલા સમયને લગતા પુરાવા માટે એપાર્ટમેન્ટની તપાસ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર NIAને શંકા છે કે રિઝવાન ફરાર આતંકવાદી ફરહતુલ્લા ગૌરી સાથે સંબંધ ધરાવે છે, જે હૈદરાબાદનો રહેવાસી છે અને ઘણા વર્ષોથી NIAના રડાર પર છે.