Site icon Revoi.in

દેશમાં ગેંગસ્ટરો સામે આકરી કાર્યવાહીની NIAને સત્તા અપાશે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે નેશનલ ઈન્વેસ્ટીગેશ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે એનઆઈએ આતંકવાદી પ્રવૃતિ ઉપરાંત ગેંગસ્ટરો, હથિયારો અને ડ્રગ્સની દાણચોરી સહિતના ગંભીર ગુનાની તપાસ કરી શકે તે દિશામાં તંત્ર દ્વારા વિચારણા ચાલી રહી છે.  એનઆઈએને કેન્દ્ર સરકાર વધારે શક્તિશાળી બનાવાની વિચારણા ચાલી રહી છે. સરકાર ઈચ્છે છે કે એનઆઈએ ગેંગસ્ટરો સામે પણ આતંકીઓ જેવું વલણ અપનાવે.

મીડિયા રિપોર્ટ અનુસાર, એનઆઈએને ભારતમાં ગેંગસ્ટરોની આતંકી પ્રવૃત્તિઓ, ડ્રગ્સની દાણચોરી અને હથિયારોના કેસની તપાસ માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગેંગસ્ટરોના આતંકી સંગઠનો સાથે કનેક્શન હોવાના કારણે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી ગેંગસ્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરે અને તેની સાથે આતંકવાદીઓ જેવું જ વર્તન કરે. ગેંગસ્ટરો પાકિસ્તાન સ્થિત આતંકી જૂથો અને કેનેડા સ્થિત ખાલિસ્તાની જૂથોના સંપર્કમાં છે, જેને સરકાર દેશ માટે ગંભીર જોખમ માને છે.

વર્ષ 2008ના મૂળ કાયદામાં સુધારો કરીને સંસદમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (સુધારો) કાયદો, 2019 પસાર કરાયો હતો. આ બિલમાં એનઆઈએને નકલી ચલણ અથવા બેન્ક નોટો સંબંધિત ગૂના, પ્રતિબંધિત હથિયારોનું ઉત્પાદન અથવા વેચાણ, સાઈબર આતંકવાદ, વિસ્ફોટક પદાર્થ કાયદા હેઠળના ગૂનાઓ સંબંધિત કેસોની તપાસ કરવાની જોગવાઈ હતી.

એનઆઈએને આખા દેશમાં ગૂનાઓની તપાસ કરવા સંબંધિ અન્ય પોલીસ અધિકારીઓ સમાન જ પાવર અપાયા છે. ગેરકાયદે પ્રવૃત્તિ (રોકવા) સુધારા કાયદા (યુએપીએ, ૨૦૧૯) હેઠળ એનઆઈએના અધિકારી કોઈપણ રાજ્યની પોલીસના મહાનિર્દેશકની પૂર્વ મંજૂરી વિના પણ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની આશંકાએ દરોડા પાડવા અને તે લોકોની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર ધરાવે છે.