- NIDના નવ નિયુક્ત ડિરેકટરની જોહુક્મી સામે વિરોધ,
- વિદ્યાર્થીઓએ ડિરેકટની કચેરી બહાર પ્રદર્શન કર્યુ,
- કેમ્પસમાં વાઈફાઈ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા
અમદાવાદઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી અને અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી)માં નવનિયુક્ત ડિરેક્ટર અશોક મોંડલની કાર્ય પદ્ધતિ અને નીતિરીતિ સામે જ વિવાદ ઊભો થયો છે. મોંડલે ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળતા જ 7 ફેકલ્ટીઓની બદલીઓ કરતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ડિરેક્ટરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, ખાસ ફેકલ્ટીને ફાયદો કરાવવા માટે અને વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે નવા નવા નિયમોને તત્કાલિક લાગુ કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનો વિરોધ થતા કેમ્પમાં વાઈફાઈ પણ બંધ કરી દેવાયું હતુ..
એનઆઈડીના નવ નિયુક્ત ડિરેકટર અશોક મોંડલેએ ચાર્જ લેવાની સાથે જ કેમ્પસમાં વિવિધ ફેરફારો કર્યા હતા. જેમાં કેમ્પસમાં વિવિધ વિભાગીય વડાની બદલીઓ કરી હતી. બદલી થતા જે ફેકલ્ટીની જે વિષયમાં તજજ્ઞતા હતી તેઓની બીજા વિભાગમાં બદલી અપાતા તેઓના અભ્યાસ કરાવવા માટે મુશ્કેલી બની રહ્યા છે. આ ઉપરાંત સાત મહિલા અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી. આ અંગે ડિરેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.
એનઆઈડીના ડિરેક્ટર સામે વિદ્યાર્થીઓમાં અસંતોષ વધતો જાય છે. વિદ્યાર્થીઓનું કહેવું છે, કે, એક સાથે 7 ફેકલ્ટીને બદલતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. નવા ફેકલ્ટીને સેટ થતાં સમય લાગે તેમ છે, જે તે વિષયોના નિષ્ણાત ગણાતા ફેકલ્ટીને અન્ય વિભાગોમાં બદલીઓ કરવામાં આવી છે, ડિરેક્ટરની આપખૂદશાહી ચલાવી લેવામાં આવશે નહીં, અને આંદોલન ચાલુ રહેશે એવું વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા.