અમદાવાદઃ શહેરના સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા જીવન જરૂરિયાતની અનેક ચિજ-વસ્તુઓ બનાવવામાં આવે છે. પરંતુ યોગ્ય પેકેજિંગ તેમજ માર્કેટિંગ ન કરાતું હોવાથી ચિજ-વસ્તુઓ વેચાતી નથી. આથી હવે એનઆઈડી જેલના કેદીઓને મદદ કરશે, જેલમાં ફર્નિચર પણ બનાવવામાં આવે છે. એનઆઈડી કેદીઓને ઈન્ટિરિયર ડિઝાઈન પ્રમાણે ફર્નિચરની તાલીમ આપશે. NID અને જેલ વચ્ચે એક MOU કરવામાં આવ્યા છે. જેમાં NID વિદ્યાર્થીઓ અલગ અલગ સમાનની પેકિંગથી લઈ ડિઝાઈનને પોતાના રીતે આકાર આપવા અને બ્રાંડિંગ માટે સેન્ટ્રલ જેલના કારીગરોને મદદ કરશે, અને બજારની હાલની જરૂરિયાત મુજબ ઇન્ટિરિયર ડિઝાઇન વાળું ફર્નીચર બનાવી આપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ NIDના વિદ્યાર્થીઓ થોડા સમય પહેલા સાબરમતીની સેન્ટ્રલ જેલની મુલાકાતે ગયા હતા અને ત્યાં કેદીઓ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ જોઈ અને તે વસ્તુઓને વધુ કઈ રીતે સારી બ્રાન્ડ બનાવી શકાય તે માટે નિદર્શન કર્યું હતુ. એનઆઈડીના વિદ્યાર્થીઓના માર્ગદર્શનથી કેદીઓએ બનાવેલી વસ્તુઓ જેલના અધિકારીઓને બતાવી હતી જેને પગલે સેન્ટ્રલ જેલના અધિકારીઓ દ્વારા કેદીઓને મદદરૂપ થવા માટે અનોખો પ્રયાસ કરવાનો નિર્ણય કરાયો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સાબરમતી સેન્ટ્રલ જેલના સત્તાધિશો અને NID વચ્ચે કરાર કરાયા છે જેમાં વિના મૂલ્યે NID દ્વારા કેદીઓને હુન્નર ઉદ્યોગની તાલીમ આપવામાં આવશે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ પ્રયત્નથી ઓથેન્ટિક બનાવટને બદલે બજારના નવા રૂપ રંગની વસ્તુઓ લોકોને મળશે અને કારીગરોની બનાવટ બજારમાં મૂકવાથી જેલ અને કેદીઓને મોટો ફાયદો થશે. સાથે જ સેન્ટ્રલ જેલમાંથી છુટયા બાદ કેદીઓ પોતાનું જીવન આત્મસન્માન અને ગૌરવભેર સોસાયટી વચ્ચે જીવી શકશે.