અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપરથી કસ્ટમ વિભાગે શંકાના આધારે નાઈજીરિયન નાગરિકને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. 1.39 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓએ ડ્રગ્સની કેપસ્યુલ પોતાના શરીરમાં છુપાવી રાખ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દુબઈથી આવેલી ફ્લાઈટમાંથી ઉતરેલા એક નાઈજીરિયન નાગરિકની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગે તેને અટકાવ્યો હતો. તેમજ કસ્ટમ વિભાગે બોડી સ્કેનર મશીનમાંથી તેને પસાર કરાવતા શરીરના અંદરના ભાગમાં કંઇક છુપાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પેસેન્જરની કડક પૂછપરછ કરતા તેણે કસ્ટમ સમક્ષ કબુલાત કરી કે, શરીરમાં તેણે કેપસ્યુલ છુપાવી છે. આ કબૂલાત બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઇ જવાયો હતો. તબીબી સારવાર કર્યા બાદ અંદાજે 95 કેપસ્યુલ મળી આવી હતી. જેમાં ડ્રગ્સ છૂપાવ્યું હતું. જેની કિંમત 1.39 કરોડ થવા જાય છે. જેથી કસ્ટમ દ્વારા તેની ધરપકડ કરીને પૂછપરછ આરંભી હતી. ડ્રગ્સ ક્યાંથી લઈને આવ્યો હતો અને કોને આપવાનું તેની તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ડીઆરઆઇના અધિકારીઓએ નાઈજિરિયન પેસેન્જર પાસેથી કેપસ્યુલ જપ્ત કરી હતી તેમાંથી કોકેઇન પાઉડર નિકળ્યો હતો. ડ્રગ્સની હેરાફેરી કરવા માટે નાઈજિરિયન ડ્રગ્સ સિન્ડીકેટ કેરિયરોને કમિશન આપે છે અને તેઓ શરીરના અંદરના ભાગમાં ડ્રગ્સ છુપાવીને દેશના વિવિધ રાજ્યોમાં જતા હોવાનું મનાઈ રહ્યું છે.
(Photo-File)