મુંબઈઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ તા. 31મી ડિસેમ્બરની ઉજવણીને વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવા વર્ષને આવકારવાની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શકયતાને પગલે કોરોનાનું સંક્રમણ પણ વધારે ફેલાય તેવી શકયતાઓને પગલે વિવિધ રાજ્યોની સરકારો સક્રિય બની છે. દરમિયાન કર્ણાટક સરકાર દ્વારા નવા વર્ષની ઉજવણી નિમિત્તે એકત્ર થતી ભીડ નિવારવા માટે કર્ણાટકમાં તા. 2 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યુ નાખ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં આજથી તા. 2 જાન્યુઆરી સુધી રાતના 10થી સવારના 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમજ કર્ફ્યુનો ભંગ કરનારની સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત વિદેશથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જરૂર પડ્યે પ્રવાસીને ક્વોરન્ટાઈનમાં પણ રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગુજરાતમાં અમદાવાદ સહિતના ચારેક શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ તા. 5મી જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યુ નાખ્યો છે.