અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. હવે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા આવતી કાલથી રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 8 કલાકથી નહીં પરંતુ રાત્રે 9 કલાકથી શરુ થશે. કર્ફ્યુના સમયમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે. આવતી કાલથી રાજ્યમાં કર્ફ્યુ રાત્રે 9 કલાકથી 6 કલાક સુધી રહેશે. આ સત્તાવાર જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી.
પાટનગર ગાંધીનગર ખાતે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં અનેક વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કરફ્યૂમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના 36 શહેરોમાં રાતના 8 વાગ્યા સુધી કર્ફ્યુ હતો, તેનો સમય ઘટાડીને 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9 વાગ્યે કરફ્યૂ શરૂ થશે. રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જેનો અમલ 28 મેના રોજથી કરવામાં આવશે. ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી, કર્ફ્યૂનો સમય જે રાત્રિના 8થી સવારના 6 સુધીનો છે, એને 18 મે સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે આ મુદ્દત પૂર્ણ થતી હોવાથી મુખ્યપ્રધાન રૂપાણીએ આજે રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ, જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્કપાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો. સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર અને તમામ વેપાર સવારે 9થી બપોરના 3 સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જીમ, સ્પા, સ્વિમિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે 50 વ્યક્તિ અને અંતિમ વિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા યથાવત રખાઇ છે. સરકારી, અર્ધ સરકારી, ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રહી શકશે. પબ્લીક બસ સેવા 50 ટકા મુસાફર ક્ષમતા સાથે ચાલશે. હોટેલ-રેસ્ટોરન્ટ સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે પણ માત્ર ટેકઅવે અને હોમડિલિવરીની સુવિધા આપી શકશે.