અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુને તા. 15મી માર્ચ સુધી લંબાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થયા સરકાર દ્વારા અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. જો કે, કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટતા સરકાર દ્વારા ચારેય શહેરના રહેવાસીઓને રાત્રિ કર્ફ્યુમાં આંશિક રાહત આપી હતી. હાલ રાતના 12થી સવારના 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. જેથી રાજય સરકાર દ્વાર રાત્રી કરફ્યૂ લંબાવી દેવામાં આવ્યો છે. ચાર મહાનગરમાં કેસોમાં વધારાના કારણે રાત્રી કર્ફ્યૂ 15 દિવસ માટે લંબાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાના કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે.
રાજયના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા રાજયમાં સર્વેલન્સ અને ધનવંતરી રથની કામગીરી સધન બનાવવમાં આવશે. વધતા જતાં સંક્રમણ માટે મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. બોર્ડર એરીયા પર સ્ક્રિનિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ કોવિડ વેક્સીનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સીનેશન ઝડપથી પૂર્ણ થાય તે અંગે સૂચનાઓ આપવામા આવી છે.