અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ છેલ્લા ત્રણેક દિવસમાં 180થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો પણ ઉભો થયો છે. દરમિયાન ગુજરાતના અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. રાતના 1થી સવારે 5 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે.
રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. રાતના 1થી સવારે 5 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. કર્ફ્યુનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં કોરોના ગાઈડલાઈન સાથે તા. 31મી ડિસેમ્બર સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. ગત 1 ડિસેમ્બરથી રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ માટે 10 દિવસની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેની અવધિ આજે પૂર્ણ થતા રાજ્ય સરકારે ગાઇડલાઇન યથાવત્ રાખી છે. રાજ્ય સરકારે લગ્ન માટે 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવીને મંજૂરી મેળવવાની યથાવત્ રાખવામાં આવી છે. આ ઉપરાંત કોચીંગ સેન્ટરો 50 ટકા ક્ષમતા અને વાંચનાલય 75 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. સ્પા પણ રાત્રીના નવ વાગ્યા સુધી ખુલ્લા રાખવા સરકારે મંજૂરી આપી દીધી છે.
(Photo-File)