રાજકોટઃ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોરાજી સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યુ હતું. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં પણ આકાશ વાદળ છાંયુ બનતા બે ઋતુંનો અનુભવ થઈ રહ્યો છે સાથે ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. તેની લીધે કોરોના સિવાયની અન્ય બીમારીઓનો વાવર જોવા મળી રહ્યો છે. દરમિયાન હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં હવે રાતના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાલ તાપમાન નોર્મલ આસપાસ છે, ત્યારે આગામી સમયમાં સરેરાશ તાપમાન નોર્મલ આસપાસ જ રહેવાની શકયતા છે. જો કે, રાતનું તાપમાન સરેરાશ કરતા વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મે મહિનાની માસિક આગાહી જારી કરવામાં આવી છે. જે અંતર્ગત દેશના મોટાભાગના ક્ષેત્રોમાં ગરમી-તાપમાનની નોર્મલ પરિસ્થિતિ જ રહેશે. જો કે, કોંકણ, ગોવા તથા ઓડીશામાં ઉષ્ણતામાન સામાન્ય કરતા વધુ રહેશે. આ જ રીતે ઝારખંડ, છતીસગઢ તથા બિહારમાં પણ સરેરાશ કરતા થોડુ ઉંચુ તાપમાન રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત તથા ગોવા જેવા ક્ષેત્રોમાં ભેજ હોવા ઉપરાંત હવામાન પલ્ટાની સ્થિતિ છે ત્યારે આ ભાગોમાં રાત્રીનું તાપમાન સરેરાશ કરતા નોંધપાત્ર વધુ રહેવાની શકયતા છે. હવે ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉતરીય ક્ષેત્રોમાં સર્જાયા છે તેના પરિણામે ઉતરાખંડમાં પણ વરસાદી માહોલ સર્જાવાની તથા ગુરૂવારે ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.