સુરતઃ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કૂંભાણીને કારણે ચૂંટણી બિનહરિફ થતાં ભાજપને વગર ચૂંટણીએ બેઠક મળી ગઈ છે. બીજી બાજુ મતાધિકારનો મોકો ન મળતા સુરતવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નિલેશ કૂંભાણી સામે રોષ જોવા મળી રહ્યો છે. બીજીબાજુ નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બની જતાં શહેરમાં નિલેશ કૂંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા છે. સાથે જ કરોડોમાં વેચાયાના આક્ષેપો થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ એવો આક્ષેપ કર્યો હતો. કે ભાજપે નિલેશ કુંભાણી, ત્રણેય ટેકેદાર અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે. આ માટે તેમને 15 કરોડ જેવી રકમ ચૂકવવી પડી છે.
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કૂંભાણીનું ફોર્મ રદ થયા બાદ કૂંભાણી જ શંકાના દાયરામાં મુકાયા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કુંભાણી સામે જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. બુધવારે નિલેશ કુંભાણીના ઘરે જઈને કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ઘરની બહાર પોસ્ટર ચોંટાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ગુરૂવારે આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ હીરાબાગ સર્કલ પાસે બ્રિજ ઉપર જઈને નિલેશ કુંભાણી સામે રોષ વ્યક્ત કરતાં બેનર લગાવ્યાં હતાં, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે ‘લોકતંત્રનો હત્યારો- ગદ્દાર.’ નિલેશ કુંભાણીએ સુરત લોકસભા મતવિસ્તારના 19 લાખ મતદારોનો હક છીનવી લીધો છે.
દિનેશ કાછડિયાએ જણાવ્યું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું નથી, પણ કરાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ષડ્યંત્ર રચીને તેમના ટેકેદારોને અને નિલેશ કુંભાણીને ખરીદી લેવામાં આવ્યા છે. 15 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી છે અને નિલેશ કુંભાણી હાલ ગોવામાં જલસા કરી રહ્યા છે. 7 મેએ દેશભરમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હશે અને સુરત શહેરના લોકો માત્ર ટીવી પર એને જોતા રહેશે. આ ચાર લોકોને કોઈનો મતનો અધિકાર છીનવવાનો હક નથી. તેમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ.