GSIRF રેન્કિંગમાં થ્રી સ્ટાર મેળવનારી પ્રથમ મીડિયા શૈક્ષણિક સંસ્થા બની NIMCJ
અમદાવાદ: તાજેતરમાં નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત અને આઇકેરના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક ( GSIRF) 2021-2022 માં અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ( NIMCJ) એ થ્રી સ્ટાર રેન્કિંગ મેળવ્યું છે. કોલેજ શ્રેણીની 210 સંસ્થાઓમાંથી આ રેન્કિંગ મેળવનારી ગુજરાતની આ એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે.
આ અંગે વિશેષ માહિતી આપતા સંસ્થાના નિયામક પ્રા. (ડૉ) શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે 2007 થી શરૂ થયેલી પરંપરાગત અને આધુનિક મીડિયા શિક્ષણની સંસ્થાની યાત્રાનો આ એક ગૌરવમય પડાવ છે .આ અગાઉ પણ ‘આઉટલુક’, ‘ઇન્ડિયા ટુડે’, ‘ઓપન’ જેવા રાષ્ટ્રિય કક્ષાના સામયિકો દ્વારા થતાં નેશનલ રેન્કિંગમાં સંસ્થાએ સાતત્યપૂર્ણ રીતે સ્થાન મેળવ્યું છે.
જીએસઆઈઆરએફની રેન્કિંગની પ્રક્રિયા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત અને આઇકેરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવે છે.જેના બેંચમાર્ક ગ્લોબલ સ્વીકૃતિ ધરાવે છે.તેમાં સંસ્થા દ્વારા અપાતું ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંશોધન, રોજગારી/ સ્વરોજગારીનું સર્જન, સર્વસમાવેશકતા, સહિતના વિભિન્ન પાસા તેમજ ડેટાનું વિશ્લેષણ અને ઓડિટ કરવામાં આવે છે અને ત્યારબાદ રેન્કિંગ આપવામાં આવે છે.
સંસ્થાની આ વિકાસયાત્રામાં મેનેજમેન્ટનો અમૂલ્ય સહયોગ રહ્યો છે.આ સફળતાનું શ્રેય સંસ્થાના પ્રાધ્યાપકો,મુલાકાતી અધ્યાપક, વહીવટી કર્મચારીગણ અને વિદ્યાર્થીઓને જાય છે તેમ ડૉ કાશીકરે જણાવ્યું હતું.