અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદના નિયામક પ્રો. ડો. શિરીષ કાશીકર અને સહાયક પ્રાધ્યાપક શ્રી કૌશલ ઉપાધ્યાય આગામી ૨૬મેના રોજ કાઠમંડુ નેપાળ ખાતે આયોજિત ‘એશિયન કમ્યુનિકેશન’ પરના ઇન્ટરનેશનલ સેમિનારમાં સંશોધનપત્ર રજૂ કરશે. ડો. કાશીકર આ સેમિનારમાં “કમ્યુનિકેશનના સાધારણીકરણ મોડેલના બે દાયકા અને તેનું ભવિષ્ય” પર આયોજિત પેનલ ચર્ચામાં પણ ભાગ લેશે.
બંને સંશોધકો દ્વારા ભરતમુનિના નાટયશાસ્ત્રમાં અપાયેલી “સાધારણીકરણ”ની વિભાવના પર આધારિત સંચારનું સાધારણીકરણ મોડેલ અને સંચાર સંશોધક બર્લોના એસએમ.સી.આર મોડેલના વિષય પર તલસ્પર્શી તુલનાત્મક સંશોધનપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ સંશોધનપત્રમાં બન્ને કોમ્યુનિકેશન મોડેલની વિગતવાર છણાવટ અને તુલના કરવામાં આવી છે બન્ને મોડેલ વચ્ચેના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક પાસા અને તેના માળખા, ભૂમિકા પર સંશોધન કરવામાં આવ્યું છે.
આ સંશોધનપત્રમાં સાધારણીકરણ મોડેલને હિન્દુ સાંસ્કૃતિક મૂલ્યો અને વૈવિધ્યપૂર્ણ દ્રષ્ટિકોણના આધારે મૂલવવામાં આવ્યું છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓ થકી કઈ રીતે અસરકારક ‘સંચાર’ થાય છે તેના પર વિશે છણાવટ કરવામાં આવી છે. અત્યાર સુધી મોટાભાગની કમ્યુનિકેશન થિયરીઓ પારચાત્ય દ્રષ્ટિકોણથી તૈયાર થતી રહી છે તેમાં ભરતમુનિના નાટ્યશાસ્ત્ર પર આધારિત આ થીયરી અને મોડેલ નવો અભિગમ લાવી રહ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભરતમુનિના નાટ્યશાસ્ત્ર અને અન્ય ગ્રંથોના ગહન અભ્યાસના આધારે કઠમંડુ સ્થિત સંશોધક અને પ્રાધ્યાપક ડો નિર્મલમણી અધિકારીએ ૨૦૦૩માં સાધારણીકરણ મોડેલ ઓફ કોમ્યુનિકેશન (એસએમસી) વિકસાવ્યું હતું જે આજે એશિયા અને વિશ્વના અન્ય ભાગોમાં પાશ્ચાત્ય કમ્યુનિકેશનના મોડેલ્સની હરોળમાં ભણાવાય છે અને સંચાર, ભાષા, સંસ્કૃતિ સહિતના વિવિધ આયામોમાં તેના આધારે સંશોધનો થઈ રહ્યા છે.