અમદાવાદ: ગુજરાતની પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થિઓ દ્વારા કલા પ્રસ્તુતિ માટે સર્જવામાં આવેલા મંચ “એક્સપ્રેસિંગ જઝબાત”ના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.તાજેતરમાં “એક્સપ્રેસિંગ જઝબાત 3.0”નું બોક્સ પાર્ક,ગોતા ખાતે આયોજન કરાયું હતું.
વિદ્યાર્થીઓની છુપી પ્રતિભા ઉજાગર થાય, કલા માટેનો અભિગમ જાગે અને મંચ પ્રસ્તુતિ માટે તેઓ સજ્જ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન થાય છે. આ કાર્યક્રમમાં સંસ્થાના બેચલર અને માસ્ટરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નૃત્ય, ગાયન, શાયરી, કવિતા, સ્ટેન્ડ અપ કોમેડી વગેરે વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં.એ પણ નોંધનીય છે કે અહીં સંસ્થાના વિદેશી વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ દ્વારા આફ્રિકી સંસ્કૃતિથી જોડાયેલો ડાન્સ અને ગીત પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
બધી જ પ્રસ્તુતિઓની સમાપ્તિ પછી પ્રી નવરાત્રી ઉજવણીના ભાગરૂપે સહુ વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા અને સમગ્ર દેશ વિદેશમાંથી અહી અભ્યાસ અર્થે આવતા તમામ વિદ્યાર્થીઓએ ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાવાનું ગૌરવ અનુભવ્યું હતું.સંસ્થાના પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય,નિલેશ શર્મા,ગરીમા ગુણાવત અને વિદ્યાર્થીગણે કાર્યકમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.