અમદાવાદ: મીડિયા શિક્ષણ ક્ષેત્રે નવા સીમાચિન્હો સર કરી રહેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદ એ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.જાણીતા સામયિક “ઇન્ડિયા ટુડે” દ્વારા હાથ ધરાતા બેસ્ટ કોલેજીસ ઓફ માસ કમ્યુનિકેશનના નેશનલ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે સંસ્થાનો સમાવેશ થયો છે. આ રેન્કિંગમાં સમાવેશ થનારી ગુજરાતની આ એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે.
આ વિશે વધુ માહિતી આપતા સંસ્થાના નિયામક ડો શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે ગત ૧૭ વર્ષથી સંસ્થા ગુજરાતમાં ગુણવત્તાસભર મીડિયા શિક્ષણ આપવા કટિબદ્ધ છે.સંસ્થાના પ્રાધ્યાપકો અને સ્ટાફગણ દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક, સંશોધન અને કૌશલ્યવર્ધનની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.સંસ્થા દ્વારા થિયરી અને પ્રેક્ટીકલનું યોગ્ય સંતુલન વિદ્યાર્થીને ફિલ્ડમાં કામ કરવા સક્ષમ બનાવે છે અને પોતાના સ્ટાર્ટઅપ માટે પણ યોગ્ય બનાવે છે.વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ ઈન્કયુબેશન માટે અને પ્લેસમેન્ટ માટે સંસ્થા દ્વારા પૂર્ણ સહયોગ કરવામાં આવે છે.
સંસ્થા દ્વારા ગત છ વર્ષથી ઇન્ડિયા ટુડે દ્વારા હાથ ધરાતા બેસ્ટ કોલેજીસ ઓફ ઇન્ડિયાના નેશનલ રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત કરવામાં આવે છે.આ રેન્કિંગમાં સ્થાન મેળવનારી એનઆઇએમસીજે ગુજરાતની એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે.આ રેન્કિંગમાં સર્વેક્ષકો દ્વારા સંસ્થામાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા થતા સંશોધનો, શિક્ષણનું સ્તર, પ્રાધ્યાપકોની સજ્જતા,સંબંધિત ઉદ્યોગો સાથે સંસ્થાના જોડાણો અને પ્લેસમેન્ટ જેવા પરિમાણોને ધ્યાનમાં લઇ રેન્કિંગ આપવામાં આવે છે. સતત છટ્ઠા વર્ષે સંસ્થાએ નેશનલ રેન્કિંગમાં સ્થાન જાળવી રાખવા બદલ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઈ જૈન, ટ્રસ્ટીગણ અને સહુ શુભેચ્છકોએ ટીમ એનઆઇએમસીજે અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.