NIMCJનો નવમો પદવીદાન સમારોહ યોજાયો, 6 તેજસ્વી તારલાઓનું ગોલ્ડ મેડલથી કરાયું સન્માન
અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ ( એન.આઈ.એમ.સી.જે.) દ્વારા શિક્ષકદિન નિમિતે નવમો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો. પી.જી.ડી.એમ.સી.જે.બેચ 11 અને 12ના વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહના મુખ્ય મહેમાન ઇન્ડિયા ટુડેના સિનિયર એડિટર અનિલેશ મહાજન અને વરમોરા ગ્રુપના ચેરમેન એમીરીટ્સ પ્રકાશ વરમોરાના વરદ હસ્તે ડિપ્લોમાની પદવી એનાયત કરાઈ હતી. જેમાં જનસંપર્ક, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક, એડવર્ટાઇઝિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશન જેવાં વિશિષ્ટ ક્ષેત્રે 6 તેજસ્વી વિદ્યાર્થીઓનું સુવર્ણ ચંદ્રક આપીને સન્માન કરાયું હતું.
ભારતીય સેનાના અધિકારીઓએ અને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ બ્રિગેડિયર નરેન્દ્રનાથ તથા કર્નલ રાકેશ ચંદરને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયાં હતા. પદવી એનાયત બાદ પ્રકાશ વરમોરાએ વિદ્યાર્થીઓ સાથેના પોતાનો અનુભવ રજૂ કર્યો હતો તેમજ કોમ્યુનિકેશનમાં ભાવ અને ભાવનાના મહત્વ પર વધુ ભાર આપ્યું હતું. તેમને ૪ આધારસ્તંભની વાત જણાવતા કહ્યું કે સહુને પોતાના મિત્ર બનાવો, પ્રેમનું બિંદુ સ્થાપિત કરો, કૃતજ્ઞતા વ્યક્ત કરો અને કરુણા વિકસિત કરો.
સમારોહના મુખ્ય મહેમાન અનિલેશ મહાજને પણ વિદ્યાર્થી સમક્ષ પોતાની વાત અને અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સવાલ પૂછવા જરૂરી છે ભલે પછી તમે ગમે તેની સામે હોવ. તેમણે 3 મુદ્દા જેવા કે નૈતિકતા, તાકાત અને પૈસા કામ અને કોમ્યુનિકેશન માટે કેવી રીતે જરૂરી છે તેની વાત જણાવી હતી.
એન.આઈ.એમ.સી.જે.ના નિયામક ડો શિરીષ કાશીકરે સંસ્થાના 14 વર્ષ પૂર્ણ થઈ 15માં વર્ષમાં પ્રવેશ સાથે ભાવુકતા પ્રગટ કરી સંસ્થા દ્વારા હાલ સુધીમાં 95 ટકા વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની અને 17 વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટઅપ શરૂ કરાયાનું જણાવ્યું હતું.
કોવિડ-19 ની ગાઈડલાઈના પાલન સાથે તથા સામાજીક અંતર રાખીને આ પદવીદાન આયોજિત કરવામાં આવ્યો હતો. મીડિયા ક્ષેત્રની હસ્તીઓએ પણ આ સમારોહ નિમિતે હાજરી આપી હતી. આ સમારોહમાં ટ્રસ્ટી હરેશભાઈ ઠક્કર, વિવિધ ક્ષેત્રના લોકો, સંસ્થાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રદીપ જૈનએ આગામી વિસ્તરણ કાર્યક્રમની વિગતો આપી હતી.