અમદાવાદઃ મધ્ય ગુજરાતના મહિસાગરમાં લગ્નનો ઉત્સાહ એક માર્ગ અકસ્માતને પગલે માતમમાં ફેલાયો છે. ગડા ગામ પાસે જાનૈયાઓ ભરેલો ટેમ્પો ખાઈ જતા નવ જાનૈયાઓના મોત થયાં હતા. જ્યારે 22થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. ટેમ્પોમાં ક્ષમતા કરતા વધારે મુસાફર ભરેલો હતો. માર્ગ અકસ્માતમાં આઠેક વ્યક્તિઓના મૃત્યુના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગર જિલ્લાના ગડા ગામમાંથી લગ્નની જાન ટેમ્પોમાં જાનૈયાઓને લઈને સાત તળાવ જવા નીકળ્યો હતો. ટેમ્પો પૂર ઝડપે પસાર થતો હતો દરમિયાન અચાનક મોટરકાર આવતા ચાલકે ટેમ્પોને બ્રેક મારી હતી. જેથી ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. તેમજ રોડની સાઈડમાં ઉતરીને ઉંડા ખાડામાં ખાબક્યો હતો. માર્ગ અકસ્માતને પગલે ટેમ્પોમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ બનાવની જાણ થતા સ્થાનિકો તથા 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 22 જેટલા જાનૈયાઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ દુર્ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોની હાલ લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ બનાવમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપીને મૃતકોની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી છે. માર્ગ અકસ્માતની ઘટનાની તપાસ અર્થે એફએસએલની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. બીજી તરફ ટેમ્પોમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરવામાં આવ્યાં હતા. અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ માર્ગ અકસ્માતમાં નવ વ્યક્તિઓના મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમજ લગ્નનો ઉત્સાહ માતમમાં છવાયો છે.