ભુજ : ભારત સરકારના નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કચ્છ જિલ્લાના ગાય તેમજ ભેંસ વર્ગના લગભગ નવ લાખ જેટલા પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા ગત નવેમ્બર માસથી ઝુંબેશ સ્વરૂપે કરાઇ રહી છે. ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લાના 2.83 લાખ જેટલા પશુઓને ઇઅર ટેગ લગાડી તેની નોંધણી `ઇનાફ’ નામના ખાસ સોફટવેરમાં કરવામાં આવેલી છે. આ માટે દરેક પશુને કાનમાં બારકોડેડ યુનિક આઇડેન્ટિફિકેશન ધરાવતી ઇઅર ટેગ લગાડી તેની ઉંમર, વેતર, માલિકનું નામ, ગામ, મોબાઇલ નંબર વગેરે વિગતો આ માટેનાં ખાસ સોફટવેર `ઇન્ફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ નોંધવામાં આવે છે,
કચ્છમાં ગાય, ભેંસને ઈયર ટેગ લગાવવાનું કાર્ય ચાલુ છે. જિલ્લામાં નવ લાખ ગાયો અને ભેંસોની સંખ્યા છેય તમામને ઈયર ટેગ લગાવવામાં આવશે.જેના થકી પશુનાં વેક્સિનેશન, કૃત્રિમ બીજદાન, ડિવમિંગ વગેરેને લગતી માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે. ઇઅર ટેગિંગની સાથેસાથે કાર્યક્રમ હેઠળ ખરવા-મોવાસા તેમજ બુસેલોસીસ જેવા પશુરોગ વિરોધી રસીકરણની કામગીરી પણ નિયમિતપણે તેના સમયપત્રક મુજબ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવે છે. રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ રાષ્ટ્રીય કૃત્રિમ બીજદાન કાર્યક્રમ ચાલુ છે. કચ્છના પશુપાલકો માટે આ નવીન બાબત હોવાથી શરૂઆતમાં જિલ્લાના ઘણા પશુપાલકોમાં આ પ્રત્યે ઉદાસીનતા તેમજ આશંકાઓ હતી પણ હવે જાગૃતિ આવી છે. હાલ જિલ્લાના બાકી રહેતા તમામ પશુઓને ટેગ લગાડી તેની નોંધણી કરવાની કામગીરી જિલ્લાના દરેક સરકારી પશુ દવાખાના. પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર કે ઉપકેન્દ્ર મારફતે ચાલુમાં છે.