ઊનાઃ ગીરના જંગલ વિસ્તારમાંથી ઘણીવાર વનરાજો રેવન્યુ વિસ્તારોમાં આવતા હોય છે. જેમાં ગીરના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય વાત છે. પરંતુ આ વચ્ચે ક્યારેય એવો નજારો જોવા મળી જાય છે જે ક્યારેય જોયો ન હોય. આમ તો સિંહ ઝુંડ ભાગ્યે જ જોવા મળે છે.પણ ઊનાની સીમમાં એક વાડીમાં નવ જેટલાં સિંહ એક સાથે જોવા મળ્યા હતા.
ગીરના સિંહો ક્યાંક ફરતા દેખાય તો રાહદારીઓ તેમની તસવીર અને વીડિયો લેવાનું અચૂક રાખતા હોય છે. ત્યારે ઊનામાં સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં એકસાથે 9 સિંહ આવી ચઢ્યા હતા. ખેતરમાં એક સાથે 9 સિંહ બેસ્યા હોય તેવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જાણે ખેતરની રખેવાળી કરતા ન હોય તેમ તમામ સિંહ અલગ અલગ સ્પોટ પર આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. વનરાજો આરામ કરતા હોવાથી તેમને ખલેલ પહોંચાડવાની પણ ખેડુતોમાં હિંમત નહોતી. દુરથી જ વિડિયો ઉતારીને સંતોષ માન્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ અતિપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસરમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા. ગિરનાર દરવાજા પાસે આવેલા વાઘેશ્વરી મંદિરના દરવાજા પાસે બે સિંહો આરામથી લટાર મારતા જોવા મળ્યા. બે સિંહ સીસીટીવી કેમેરામાં ફરતા કેદ થયા હતા. ગિરનાર જંગલમાંથી અનેકવાર ભવનાથ તળેટી વિસ્તારમાં સિંહો આવી ચઢ્યાની ઘટના સામે આવી છે.